ડીસામાં અજીબ ઘટના : વરસાદ સાથે માછલીઓ પણ વરસતા લોકો આશ્ચર્યમાં પડ્યા હતા

- Advertisement -
Share

રવિવારે રાત્રે ભીલડી પંથકમાં પડેલા વરસાદ સાથે નાની નાની માછલીઓ ખેતરમાં પડી હતી. ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ જીવાભાઈ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટાં ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતાં અચરજ ફેલાયું હતું. અહીં આસપાસ નદી તળાવ નથી એવામાં માછલીઓ જોવા મળતાં લોકો ઊમટી પડ્યા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 2.5 મિમીથી લઇ અઢી ઇંચ સુધીના વરસાદ પડી શકે છે તેમજ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં સોમવારે સાંજે છ વાગ્યે પૂરા થતા 48 કલાક દરમિયાન વડગામમાં બે ઇંચ, દાંતીવાડા દોઢ, પાલનપુર – દિયોદર એક ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે અંબાજી, સુઈગામ, ડીસામાં ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. સોમવારે સાંજે 6:00 વાગ્યે દરમિયાન પાલનપુરમાં 26 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
વડગામ
જિલ્લાનો સૌથી વધુ વરસાદ વડગામ તાલુકામાં 55 મિમી નોંધાયો હતો. વીજળીના કડાકાભડાકા સાથે પડેલા વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયાં હતાં. વાહનચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદથી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. વડગામ પંથકમાં બાજરીનું વાવેતર વધુ પ્રમાણમાં થયું હોય અને અત્યારે તેની કાપણી થઈ રહી હોય વરસાદના કારણે પાક પલળી જતાં ખેડૂતોને નુકસાન થયું છે.
કાંકરેજ
શિહોરીને બાદ કરતા આકોલી, ખસા સહિતના વિસ્તારોમાં વરસાદનું ભારે ઝાપટું પડ્યું હતું. જેમાં બાજરી અને ઘાસ ભીંજાઈ જવાથી નુકસાન પણ થયું છે. ખેતરોમાં પાણી ભરાયા હતા.
દિયોદર
દિયોદર પંથકમાં રવિવાર સાંજથી મેઘરાજાએ પધરામણી કરી છે. સોમવારે બપોર બાદ ફરી ધોધમાર વરસાદ ખાબકતા પોલીસ સ્ટેશન રોડ, જુના બસ સ્ટેન્ડ, મેઇન બજાર , નીચાણવાળા વિસ્તારોમાં ચો તરફ પાણી પાણી થઇ ગયું હતું. ભારે વરસાદના કારણે ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ બાજરીની સિઝન ચાલતી હોવાથી અનેક ખેડૂતો બાજરીનું લણણી કરી રહ્યા છે. ત્યારે ક્યાંક બાજરીમાં નુકસાન થવાની પણ ભીતિ સેવાઇ રહી છે.દરમિયાન દિયોદરના નવાગામે પટેલ નાગજીભાઈ જીવાભાઈ ને ત્યાં વીજળી પડતા બે ભેંસોના મોત નીપજ્યા હતા. જ્યારે ઓગળપુરા ગામે વીજળી પડવાથી એક ગાયનું મોત થયું હતું.
થરાદ
રાજસ્થાન બોર્ડર અડીને આવેલા થરાદ તાલુકાના થરાદના રાજ્સ્થાન બોર્ડર વિસ્તાર નજીકના ગામોમાં મેઘરાજાએ કરી એન્ટ્રી કરી હતી. પરિણામે કમાલી, ખોડા , મીયાલ , ખારાખોડા અને‌ મેસરા ગામમાં વરસાદ થયો હતો.
અંબાજી
અંબાજીમાં સોમવારે વરસાદનું ભારે ઝાપટું પડતાં રસ્તાઓ ઉપર ગોઠણ સમા પાણી રેલાયા હતા. મા અંબાના દર્શન કરવા આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે દાતા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જાણો છે જ્યાં સોમવારે સાંજ સુધી ધીમીધારે ઝાપટા પડ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં વરસાદથી 24 વીજપોલ તૂટી ગયા
ઉત્તર ગુજરાતને આવરી લઇને યુજીવીસીએલ એરીયામાં રવિવાર અને સોમવારે વરસાદ દરમ્યાન હાઇ ટેન્ડશન લાઇનના 14 સહિત 22 વીજ પોલ ડેમેજ થયા હતા,જેને પગલે યુજીવીસીએલની ટીમ નવા પોલ ઉભા કરવા કામે લાગી હતી અને સોમવાર સાંજ સુધીમાં 17 પોલ નવા ઉભા કરીને વીજ સપ્લાય રાબેતામુજબ કરાયો અને 5 પોલની કામગીરી ચાલુ હોવાનું સુત્રોએ કહ્યુ હતુ.

 

જોકે, વીજ પોલ ડેમેજમાં કોઇ ગામનો વિજ પુરવઠો બંધ થયો નહોતો.ખેતી વિસ્તારના પોલને નુકશાન હોઇ તે વિસ્તાર પૂરતા ગ્રાહકોને મરામત સમય દરમ્યાન વિજ સપ્લાય બંધ રહ્યો હતો.સૌથી વધુ હિમંતનગરમાં 13, ઇડરમાં 2, માણસામાં 3, શંખેશ્વરમાં 2, બનાસકાંઠાના ડીસામાં 5,પાલનપુરમાં 2 અને દિયોદરમાં 1, ગાંધીનગરમાં 3 પોલ વરસાદમાં ડેમેજ થયા છે.

 

પાટણ શહેરના હાંસાપુરા રોડ પાસે દિયાના હોમ્સની બાજુમાં આવેલા ખેતરમાં વિનુસિંહ ઝાલા અને તેમનો 17 વર્ષનો પુત્ર અમરસંગ બંને પિતા-પુત્ર બાજરી વાઢવાની કામગીરી કરી રહ્યા હતા. તે આ વખતે ગાજવીજ શરૂ થતા અચાનક આકાશમાંથી વીજળી પડતાં પિતા-પુત્ર બંને બેભાન થયા હતા. જેમાં પુત્ર ઉપર વીજળી પડી હોવાથી તેની ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક પરિવાર દ્વારા હોસ્પિટલ લઈ જવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ તેનું કરૂણ મોત થયું હતું. આશાસ્પદ યુવકનું વીજળી પડવાથી મોત થતાં સમગ્ર પરિવાર શોક મગ્ન બની ગયો હતો. તંત્રને જાણ થતાં પાટણ મામલતદારે તલાટીને સ્થળ સ્થિતિની તપાસ માટે મોકલ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!