બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે તા. 20-05-2022ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવશે. એકથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે રાજ્ય સરકાર અને વિચરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી કાયમી સરનામું મળશે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે કાકર વાદીપૂરા વસાહતની મુલાકાત લઇ જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કાર્યક્રમને લગતી સુચનાઓ આપતા કલેકટરએ જણાવ્યું કે, વિચરતી જાતિના લાભાર્થીઓ સરકારની એકપણ યોજનાથી વંચિત ન રહે તે માટે તમામ ખાતાના અધિકારીઓ પોતાના વિભાગની યોજનાઓ તેમના સુધી સરળતાથી પહોંચાડે.
તેમણે કહ્યું કે, ઇ-શ્રમ કાર્ડ, આયુષ્યમાન ભારત યોજના, આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ જેવા તમામ દસ્તાવેજો તેમને સુલભ રીતે પ્રાપ્ત થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
From – Banaskantha Update