વેપારી મથક ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં સોમવારથી તમાકુની જાહેર હરાજીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિને જ તમાકુની એક હજારથી વધુ બોરીની આવક નોંધાઇ હતી. પ્રતિ મણ તમાકુનો ભાવ 1551 થી 2601 રૂપિયા નોંધાયો હતો.
ડીસા પંથકના ખેડૂતો બટાકાની સાથે સાથે રાયડો, રાજગરો, એરંડા, તમાકુ સહિતના રવિ પાકનું પણ વાવેતર કરે છે તેમજ ખેડૂતોને પોતાના માલનો સાચો તોલ અને રોકડા નાણા મળે તે માટે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઇ તેમજ સંચાલક મંડળ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
તેમજ ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા જાહેર હરાજી કરી ખેડૂતોના માલનો પોષણક્ષમ ભાવ મળે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. સોમવારે ડીસામાં તમાકુની જાહેર હરાજીનો પ્રારંભ થયો હતો.
જેમાં તમાકુની હરાજીના પ્રથમ દિને એક હજારથી વધુ બોરીની આવક નોધાઇ હતી. જયારે પ્રતિ મણ (20 કિલો) તમાકુનો ભાવ 1551 થી 2601 રૂપિયા નોધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમાકુની હરાજીના પ્રથમ દિવસે જ 2601 જેટલો રેકોર્ડ બ્રેક ભાવ નોધાયો હતો. જેથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી જવા પામી હતી.
ડીસા તેમજ આસપાસના ખેડૂતો તમાકુના વેચાણ માટે અન્ય માર્કેટયાર્ડમાં જતા હતા. જેથી ખેડૂતોને સમયની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ભોગવવો પડતો હતો પરંતુ હવે ડીસામાં ખેડૂતોને પોતાના માલના પોષણક્ષમ ભાવ મળી રહ્યાં છે. સોમવારે તમાકુનો ભાવ 1551 થી 2601 રૂપિયા નોધાયો છે તેમ ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું.