પાટણમાં સગા ભાઇ અને ભત્રીજીની હત્યા કરનાર બહેનને આજીવન કેદની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

 

વર્ષ-2019 માં પાટણ જીલ્લામાં ડેન્ટીસ્ટ બહેને પોતાના જ સગા ભાઇ અને માસૂમ ભત્રીજીની કરેલી હત્યા મામલે કોર્ટે આરોપી બહેનને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે.

 

 

પરિવારમાં માન મોભો ન જળવાતો હોઇ આરોપી બહેને તેના સગા ભાઇને ધતૂરાનું પાણી આપી માનસિક અસ્થિર કર્યો હતો અને બાદમાં કેપ્સ્યૂલમાં સાઇનાઇડ આપી ઠંડા કલેજે હત્યા નિપજાવી હતી.

 

 

ભાઇની હત્યા કર્યાંના 15 દિવસ બાદ 14 માસની માસૂમ ભત્રીજીને પણ સાઇનાઇડ આપી હત્યા નિપજાવી હતી. પાટણની એડીશનલ કોર્ટે આરોપી કિન્નરીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટના ચૂકાદાને મૃતકના પરિવારજનોએ યોગ્ય ઠેરવ્યો છે. જો કે, કિન્નરીના વકીલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે.

 

 

આ અંગે સરકારી વકીલ બી.એમ. પંડયાએ જણાવ્યું હતું કે, ‘ભાઇ અને ભત્રીજીની હત્યા કરનાર બહેનને પાટણની એડીશનલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચૂકાદામાં આરોપીને આજીવન કેદની સજા પણ એવી કે તે જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે.

 

 

મેં 2019 માં વ્યવસાયે ડેન્ટીસ્ટ કિન્નરી પટેલે પોતાના જ સગા ભાઇ જીગર પટેલ અને ભત્રીજી માહી પટેલને સાઇનાઇડ આપી હત્યા નિપજાવી હતી.

 

 

પરિવારમાં પોતાનો માન મોભો જળવાતો ન હોવાથી કિન્નરી પટેલે હત્યાનું કાવતરૂ ઘડયું હતું. કિન્નરી પટેલે જે ભાઇને રાખડી બાંધતી હતી તેની જ હત્યા કરવા માટે ધતૂરાનો અને સાઇનાઇડનો ઉપયોગ કર્યો હતો.

 

કિન્નરીએ જીગર પટેલને અલગ-અલગ પ્રવાહીમાં ધતૂરાનું પાણી આપ્યું હતું. ધતૂરાના પાણીને કારણે જીગરનું માનસિક સંતુલન બગડતાં કિન્નરીએ પોતાની પાસે સાઇનાઇડ ભરેલી કેપ્સ્યૂલ આપી દીધી હતી. જેને કારણે તેનું મોત નિપજ્યું હતું.

 

જીગર પટેલના મોતના 15 દિવસ બાદ જ પોતાના ભાભી એટલે કે જીગર પટેલના પત્ની ભૂમીબેનને પણ ધતૂરાનું પાણી આપી દીધું હતું. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનો લાભ લઇ 14 માસની ભત્રીજી માહીને સાઇનાઇડ આપી દેતાં તેનું પણ મોત નિપજ્યું હતું.

 

પાટણના ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલી કિન્નરી પટેલ સગા ભાઇ અને ભત્રીજીને મોતને ઘાટ ઉતારવા માટે ઉપયોગમાં લીધેલું સાઇનાઇડ અમદાવાદ માણેક ચોકમાં આભૂષણોને ગિલેટ કરવાનો વ્યવસાય કરતાં એક શખ્સ પાસેથી લાવી હતી.

 

તેણે સૌથી પહેલાં પોટેશિયમ સાઇનાઇડનો મકોડા પર પ્રયોગ કર્યો હતો અને એ મરી ગયો હતો. ત્યારબાદ તેણે સગા ભાઇ જીગરને એ પદાર્થ આપી હત્યા કરી હતી.

 

સગા ભાઇ અને ભત્રીજીના ડબલ મર્ડર કરનારી કિન્નરી પટેલે ઘાતકી ઝેર વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરી પોટેશિયમ સાઇનાઇડ અંગે જાણકારી મેળવી હતી.

 

તે અમદાવાદમાં કાયમી સોના-ચાંદીના દાગીના લેતી હતી તે વેપારીને મળી પોતે ડેન્ટીસ્ટ તબીબ હોવાથી દાંત પર લગાવવા માટેની કેપ પર સોનાનો ગિલેટ કરવા માટે કેમિકલની જરૂરીયાત હોવાનું જણાવી પોટેશિયમ સાઇનાઇડ (પોટાશ કેમિકલ) મેળવ્યું હતું.

 

પાટણ સેશન્સ કોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમ એવો ચૂકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ભાઇ અને 16 માસની ભત્રીજીની સાઇનાઇડથી ઠંડે કલેજે હત્યા કરનારી આરોપી બહેન ડૉ. કિન્નરી પટેલને જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા કરાઇ છે.

 

આ કેસમાં ફરિયાદી અને અન્ય સાક્ષીઓ ફરી ગયા હોવા છતાં સાંયોગિક પૂરાવાઓના આધારે ગુનો પુરવાર થયો હતો. પાટણના બીજા એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટ સમક્ષ આરોપી કિન્નરી નરેન્દ્રભાઇ પટેલ (ઉં.વ.આ. 28) (રહે. મણીપુષ્પ સોસાયટી, થલતેજ અમદાવાદ, મૂળ રહે.કલાણા, તા.સિદ્ધપુર) સામે ઇ.પી.કો.-302 મુજબ ચાર્જશીટ થયું હતું.

 

આરોપી કિન્નરીએ પોતાના કોઇ અંગત કારણોસર અને ઘરમાં માન મોભો મળતો ન હોવાથી ભાઇ જીગરને ધતુરાના બીજ પાણીમાં ઉકાળી યેનકેન પ્રકારે ગ્લુકોઝના પાઉચ અને ચામાં ભેળવી પીવડાવી શારીરિક-માનસિક તકલીફ આપી

 

પોતે ડેન્ટીસ્ટ તબીબ હોઇ અમદાવાદ માણેક ચોકમાં ગીલીટનું કામ કરતાં કારીગર પાસેથી સાઇનાઇડ મેળવી કેપ્સ્યુલમાં ભરી પોતાની પાસે રાખ્યા હતા.

 

તા. 5 મે 2019 ના રોજ પાટણથી કલાણા ગામમાં કુળદેવીના દર્શન કરવા ગયા હતા. ત્યારે ધતુરાના બીજ ઉકાળી તેનું પાણી આપેલ જે પીવાથી જીગરને ખેંચ આવતાં માનસિક સંતુલન ગુમાવી દેતાં આરોપીએ સાઇનાઇડની કેપ્સ્યુલનો પાઉડર મોંઢામાં નાખી દેતાં મોત નિપજ્યું હતું.

 

ત્યારબાદ તા. 30 મેના રોજ ભૂમીબેન જીગરભાઇને ધતુરાના બીજનું પાણી પીવડાવ્યા બાદ 16 માસની ભત્રીજી માહી જે ઘોડીયામાં સૂતેલી હતી. તેના મોઢામાં સાઇનાઇડનો પાઉડર નાખી દેતાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

જે કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદ અને રૂ. 50,000 દંડની સજા એડીશનલ સેશન્સ જજ એ.કે. શાહે ફરમાવી હતી. જ્યારે ભૂમીબેનને વળતર ચૂકવવા માટે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરી હતી.

 

તપાસ અધિકારીને તેણીએ જણાવેલું કે, સાઇનાઇડ ક્યાંથી લાવી હતી અને જે બાકી વધેલું હતું તે તેના ઘરેથી શોધી બતાવ્યું હતું.

 

જીગરની પત્ની ભૂમીબેન અને કિન્નરી બંને એક જ વયના અને ડેન્ટીસ્ટ હતા એટલે બંનેના ઇગો ટકરાતાં હતા.
કિન્નરી લોભીવૃત્તિ ધરાવતી હતી.

 

તે એમ.સી.એક્સ.માં બોગસ એકાઉન્ટ ખોલીને સટ્ટો રમતી હતી. આ બધી હકીકતો તપાસમાં ખૂલી હતી.
આ બધા પ્રમાણે આધારે કોર્ટે ચૂકાદો આપ્યો છે. – સરકારી વકીલ મિતેશ પંડયાએ જણાવ્યા મુજબ

 

આ અંગે આરોપી ડૉ. કિન્નરી પટેલના વકીલ પી.એન. બારોટે જણાવ્યું હતું કે, ‘આ અંતિમ ચૂકાદો નથી અને અંતિમ કોર્ટ પણ નથી. કોર્ટે અમારી દલીલોને કન્સીડર કરી નથી.

 

અમે રજૂ કરેલા જજમેન્ટને કન્સીડર કર્યાં નથી એટલે અમે હાઇકોર્ટમાં અપિલ કરવાના છીએ. હું જાણું છું ત્યાં સુધી રાજીવ ગાંધી હત્યા કેસમાં એક મહીલાને આવી સજા કરાઇ હતી તે પછી બીજો કોઇ આવો ચૂકાદો ધ્યાનમાં આવ્યો નથી.’

 

આ અંગે મૃતક જીગરના પત્ની ભૂમીબેનના માતા સુરેન્દ્રનગરના ચિંતલબેન, પિતા ડૉ. ચિરાગ પટેલ અને બાપા દામોદર પટેલે જણાવ્યું હતું કે, ‘કિન્નરીના પિતા અને બધા જ સાક્ષી ફરી ગયા હોવા છતાં અમને ન્યાય મળ્યો છે. અમને આ ચૂકાદાથી સંતોષ છે.

 

કોર્ટના આદેશથી એક દાખલો સમાજમાં ગયો છે. ચિંતલબેને કહ્યું કે, ફાંસીની સજામાં એક જ વાર મોત થાય છે. જ્યારે હવે આખી જીંદગી જેલમાં રહેશે ત્યારે ડગલે પગલે કિન્નરીને તેની ભૂલનો અહેસાસ થતો રહેશે. આટલું થયું પણ કિન્નરી ઉપર કોઇ અસર નથી.’

 

આરોપી કિન્નરી સજા સંભળાવ્યા પછી પણ સ્વસ્થ જણાઇ હતી. જ્યારે કોર્ટ રૂમમાં જજ ચૂકાદો વાંચીને સંભળાવી રહ્યા હતા. ત્યારે મહીલા પોલીસ સાથે ઉભેલી કિન્નરી એકીટશે જજની સામે જોઇ રહી હતી.

 

કોર્ટ બહાર તેની સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, ‘હું બિલકુલ નિર્દોષ છું. આખો કેસ ખોટો ઉભો કરેલો છે. તમને પશ્ચાતાપ થાય છે કે કેમ તેમ પૂછ્યું તો તેણે કહ્યું, મેં કંઇ કર્યું જ નથી તો પછી પશ્ચાતાપ શું થાય.’

 

આ અંગે દામોદરભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘જીગરનું મોત થયું તે વખતે પી.એમ. કરાયું ન હતું. આ હકીકત મેં મારા નિવેદનમાં કહી હતી. જો તે વખતે પી.એમ. કરાયું હોત તો તે વખતે જ સત્ય બહાર આવી જાત અને માહીનો ભોગ ન લેવાયો હોત.

 

ભૂમી સગર્ભા હતી ત્યારે ધતુરાના બીજનું પાણી પીવડાવ્યું હતું. જેને લઇને માહી શરૂઆતમાં તંદુરસ્ત ન હતી. કિન્નરી પાસે સાઇનાઇડની 20 કેપ્સુલ હતી. જેમાંથી માત્ર 2 જ વાપરી હતી. બની શકે કે બીજા પણ તેના ટાર્ગેટમાં હશે.’

 

સમાજનું અધઃપતન રોકવા અને સમાજમાં દાખલો બેસાડવા આરોપીને પૂરતી શિક્ષા કરવી આવશ્યક અને ન્યાયી છે. પરંતુ હાલના કેસની હકીકતો જોતાં જવલ્લે જ બનતો કિસ્સો રેરેસ્ટ ઓફ રેર નથી અને સર્વોચ્ચ અદાલતે નક્કી કરેલા માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ આરોપીને ઇ.પી.કો. કલમ-302 ના ગુના અંગે મૃત્યુ દંડની શિક્ષા કરવી ઉચિત નથી.

 

કિન્નરી અને ભૂમિ બંનેના પૈતૃક પરિવારો સ્ટીલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. રશ્મી સ્ટીલ ભૂમીબેનના સબંધીનું હતું. જ્યારે વંદના સ્ટીલ જીગર અને કિન્નરીના પિતા નરેન્દ્રભાઇ હતું. એટલે બંને પરિવારો વચ્ચે પરિચય થતાં જીગર અને ભૂમીના લગ્ન થયા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!