ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા અને રાધનપુરમાં હીન્દુ યુવતી પર વિધર્મી યુવકે કરેલા હુમલાના વિરોધમાં સોમવારે બનાસકાંઠા જીલ્લામાં ઠેર-ઠેર હીન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઇ છે.
આ સંદર્ભે થરાદના કેટલાંક સોશિયલ મીડીયા ગૃપમાં આવતીકાલે થરાદ બંધનો મેસેજ વાયરલ થતાં થરાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં થરાદ પી.આઇ. જે.બી. ચૌધરીએ થરાદ બંધને સમર્થન આપવા કરતાં થરાદ ચાલુ રાખી નફાનો અમુક હીસ્સો સારા કામમાં વાપરવા લોકોને અપિલ કરી છે.
ધંધુકા અને રાધનપુરમાં બનેલી ઘટનાને લઇ બનાસકાંઠા જીલ્લામાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. જેમાં સોશિયલ મીડીયામાં ફરતા થરાદ બંધના એલાનને લઇ થરાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે.
થરાદ બંધ સોશિયલ મીડીયાના ફરતા મેસેજને ખરાઇ કર્યાં વગર ફોરવડ ન કરવા થરાદ પોલીસે અપિલ કરી છે. થરાદમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે થરાદ પોલીસના પ્રયત્નને સપોર્ટ કરવા પોલીસે અપિલ કરી છે.
આ અંગે થરાદ પી.આઇ. જે.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘થોડા દિવસ પહેલાં ધંધુકા અને રાધનપુર શહેરમાં બે બનાવ બનેલા છે. તે અનુસંધાને ઘણા બધા સમુદાય તરફથી અલગ-અલગ જગ્યાએ બંધનું એલાન આપવામાં આવે છે. આ બાબતે સોશિયલ મીડીયામાં પણ ખોટા ખોટા મેસેજ પણ કરવામાં આવે છે. જેવું અમારા ધ્યાને આવેલું છે.
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની તમામ જાહેર જનતાને અપિલ કરૂ છું કોઇપણ પ્રકારના સોશિયલ મીડીયાના માધ્યમથી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા બિનજરૂરી કોઇપણ પ્રકારના મેસેજ કરવા નહીં.
કોઇ એવો મેસેજ આવે તો જ તેને ફોરવર્ડ કરવો નહી. તેની ખરાઇ કરવી અને હીન્દુ-મુસ્લિમ વચ્ચે કોઇ વેમનષ્ય ફેલાય તેઓ કોઇપણ પ્રકારનો મેસેજ કરવો નહીં. આવતીકાલે થરાદ બંધ રાખવા અંગેના સોશિયલ મીડીયામાં મેસેજ મળે છે. તમામ વેપારી મિત્રો તમામ જાહેર જનતાને અપિલ કરૂ છું.
આપણે બંધ રાખવા કરતાં કઇ નવું વિચારી જે પણ આવતીકાલે દિવસની કમાણી થાય તે તમામ ધંધાર્થી લોકો પાસેથી તે કમાણીમાંથી અમુક હીસ્સો લઇ સારામાં વાપરી આપણે આવતીકાલના દિવસને એક સારો દિવસ તરીકે રાખી બંધને પ્રોત્સાહન ન આપીએ.’
From-Banaskantha update