નિયંત્રણો: લગ્ન સમારોહ માટે 150 વ્યક્તિની જ છૂટ, સામાજિક, ધાર્મિક અને રાજકીય સહિતના કાર્યક્રમોમાં પણ 150 લોકોની મર્યાદા

Share

રાજ્યમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

 

આ ફેરફારો આવતીકાલે એટલે કે તારીખ 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને અને તારીખ 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. આમ રાજ્ય સરકારે 4 દિવસ પહેલા જાહેર કરેલા નિયંત્રણોમાં ફેરફાર કરી પલટી મારી છે.

 

કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.

 

રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.

 

આ પહેલા સરકારે 7 જાન્યુઆરીએ ખુલ્લી જગ્યામાં લગ્ન માટે 400 લોકોની છૂટ હોવાની જાહેરાત કરી હતી. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

 

ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે સરકારે પણ હવે દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે 4 લાખ 85 હજાર મોલનુપિરાવિર અને ફેરિપિરાવિરની 75000 સ્ટ્રિપનો ઓર્ડર આપ્યો છે. મોલનુપિરાવિરની 800 એમજીના ડોઝ પાંચ દિવસ સુધી બે વાર લેવાના હોય છે.આ દવા કોરોના સંક્રમણ વિરુદ્ધ 70-80 ટકા અસરકારક છે, જેનું ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે, જ્યારે 20 જાન્યુઆરીએ શરૂ થનારી GTUની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા માટે ઓફલાઇન અને ઓનલાઇન બે વિકલ્પ આપવામાં આવ્યા છે.

 

વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી 13 જાન્યુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોનાને કંટ્રોલમાં લેવા માટે એકશન પ્લાન ઘડાશે.

 

આ પહેલાં ત્રીજી લહેર માટે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના એડમિશનથી માંડીને ઓપરેશન સુધીની દવાઓ, ઈન્જેક્શનો સહિત 64 પ્રકારની જુદી જુદી ડ્રગ્સની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતી વિવિધ દવાઓ પણ સામેલ છે.

 

આ દવાઓનો સૌથી વધુ ઓર્ડર અપાયો

1. Amoxycillin 250mg કેપ્સ્યૂલ બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં વપરાય છે, જેમ કે ગળું, કાન, નાકમાં ઈન્ફેક્શન, સ્કીન, ટાઈફોઈડનો તાવ વગેરેમાં અપાય છે. આવી 5, 05, 61000 કેપ્સ્યૂલ માટે ટેન્ડર મગાવવામાં આવ્યું છે.

2. Carbamazepine Tablets 200mgનો ઉપયોગ શરીરમાં અચાનક આવતા હુમલાને રોકવા અને નિયંત્રણ કરવા માટે થાય છે. એનો ઉપયોગ અમુક પ્રકારના સ્નાયુના દુખાવા (જેમ કે ટ્રાઇજેમિનલ ન્યુરલજિયા)ને દૂર કરવા માટે પણ થાય છે. આ દવાની 1,81,92000 ટેબ્લેટ માટે ટેન્ડર મગાવાયા છે.

3. Benzathine Penicillin ઇન્જેક્શનનો ઉપયોગ બેક્ટેરિયાને કારણે થતા ચોક્કસ ચેપની સારવાર અને અટકાવવા માટે થાય છે અને Azithromycin દવાનો ઉપયોગ ન્યુમોનિયા, નાક, ગળામાં ઈન્ફેક્શન માટે થાય છે. આ ઈન્જેક્શન તથા દવાના 22,000 કિટ માટે ટેન્ડર મગાવાયાં છે.

4. Nifedipine 10mg દવાનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશરને ઓછું કરવા માટે થાય છે. આ દવાના 72,68,000 ટેબ્લેટ માટે ટેન્ડર મગાવાયાં છે.

5. Budenoside કેપ્સ્યૂલનો ઉપયોગ આંતરડાંના રોગની સારવાર માટે થાય છે, જેમાં શરીરના પાચનતંત્ર પર હુમલો થાય છે, જેનાથી પેટમાં પીડા, ઝાડા, વજનમાં ઘટાડો અને તાવ આવે છે. આ કેપ્સ્યૂલના 53,70,000નો ઓર્ડરનું ટેન્ડર મગાવાયાં છે.

6. Trimethoprim & Sulphamethoxazole 160mg અને 800mg એ એક એન્ટીબાયોટિક્સ દવા છે, જે બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવારમાં વપરાય છે. આ દવાના 53,84,000 ડોઝનાં ટેન્ડર મગાવાયાં છે.

 

From – Banaskantha Update


Share