ઝેરી કેમિકલ જાહેરમાં ઠાલવતી વખતે ગેસ ગૂંગળામણ થતાં 6 માસૂમોએ જીવ ગુમાવ્યો : 23 જેટલાં લોકો સારવારમાં

Share

 

સુરતના સચિન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઝેરી કેમિકલ જાહેરમાં (ખુલ્લી ખાડીમાં) ઠાલવતી વખતે ગેસ ગૂંગળામણને કારણે 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 23 જેટલાં લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સચિન વિસ્તારમાં રોજના મોટી સંખ્યામાં ટેન્કર કેમિકલ ભરીને ઠાલવવા આવતાં હોવાનું સામે આવ્યું છે.

 

 

ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા અને દહેજ સહીતથી ઠાલવવા માટે અહીં આવે છે. જેમાં ગુરુવારે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે ઝેરી કેમિકલ ઠાલવવાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે.

 

 

રોજના હજારો ટેન્કર આવતાં હોવાથી પોલીસની પણ ક્ષમતા એટલી ન હોવાનું ખુદ પોલીસ કમિશનરે સ્વીકાર્યું છે. તો મામતદારે પણ વિસ્તાર ખૂબ મોટો હોવાનું કહીને હાથ ઊંચા કર્યા છે. રાજકીય અને તંત્રની ઉદાસીનતા તથા યોગ્ય નીતિ ન હોવાને કારણે નિર્દોષ શ્રમિકોનો બલિ ચડ્યો હોવાનું સામે આવ્યું છે.

 

 

ચોર્યાસી તાલુકાના મામલતદાર ભરત સકસેનાએ જણાવ્યું હતું કે, ‘આ વિસ્તારમાં ખુલ્લામાં ટેન્કર ઠાલવાય છે. જી.પી.સી.બી.નો સ્ટાફ પહોંચી વળતો નથી. અમારાથી જે પ્રકારની કામગીરી થવી જોઇએ એ થઈ રહી નથી. આ વિસ્તાર ખૂબ જ મોટો છે. એટલા માટે અમારાથી પૂરતી કામગીરી યોગ્ય રીતે થઇ રહી નથી’ એવું પણ મામલતદારે વધુમાં સ્વીકાર્યું હતું.

 

 

આ અંગે જી.પી.સી.બી.ના અધિકારી પરાગ દવેએ જણાવ્યું હતું કે, ‘અગાઉ છ માસમાં આ સહીતની ત્રીજી ફરિયાદ મળી છે. અગાઉ સચિન અને જ્હાંગીરપુરામાં પણ ફરિયાદ મળી હતી. જેમાં પોલીસને સાથે રાખીને ફરિયાદ નોધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

આ કેમિકલમાં પ્રાથમિક તબક્કે એસીડીક કોમ્પોનન્ટ હોવાનું કહી શકાય છે. આ કેસમાં પણ પોલીસને સાથે રાખીને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મળે તેને રોકવા માટે જી.પી.સી.બી. દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.’

 

 

આ અંગે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ‘સચિન જી.આઇ.ડી.સી.માં રોજનાં હજારો ટેન્કર આવે છે. પોલીસની એટલી ક્ષમતા નથી કે રોજના હજારો ટેન્કરો આવે છે તેની તપાસ કરી શકે. ટેન્કરો અહીં મોટી સંખ્યામાં ઉભા પણ રહે છે. એટલે પોલીસની ક્ષમતા નથી. દરેક ટેન્કરની તપાસ કરવાની પોલીસ પાસે તાકાત નથી કે દરેકની તપાસ યોગ્ય રીતે થાય.’

 

 

નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલેએ વાતનો સ્વીકાર કર્યો હતો કે, આ ટેન્કર જેણે મોકલ્યું હતું એ કંપનીના માલિકને પકડીને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ. જો કે, આ પ્રકારની કોઇ ઘટના ન બને એ માટે પણ આગળના સમયમાં યોગ્ય કામગીરી કરવામાં આવે એ જરૂરી છે.

 

 

સચિન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં અન્ય શહેરોમાંથી ઝેરી કેમિકલ ગેરકાયદે રીતે ઠાલવવાનું રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે. રાત્રિના સમયે કેમિકલ ટેન્કર મારફત બહારથી લાવીને ઠાલવવાની મોડસ ઓપરેન્ડી ચાલે છે. ગંદા અને ઝેરી કેમિકલ ઠાલવવાની ઘટના ઘણા સમયથી ચાલી રહી છે.

 

તેમ છતાં પોલીસ સહીતના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ કોઇ એકાદ દિવસની ઘટના નથી. સમયાંતરે આ પ્રકારના ગેરકાયદે કેમિકલ ઠાલવવાનું સામે આવતું હોય છે અને એને કારણે અનેક મુશ્કેલીઓ પણ ઉભી થતી રહે છે.

 

પોલીસ યોગ્ય રીતે પેટ્રોલિંગ કરે એને એના સ્થાનિક વિસ્તારના જે ખબરીઓ છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો આ પ્રકારની ઘટનાને ટાળી શકાય છે. પરંતુ આ પ્રકારની ઘટનામાં પોલીસની જાણ બહાર સતત કેમિકલ ટેન્કર ખાલી થતાં રહે એ વાત ગળે ઉતરે એવું લાગતું નથી.

 

પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે સામે આવી રહી છે.પરંતુ પોલીસ કમિશનર જાણે પોતાનો બચાવ કરતાં હોય એ રીતે જવાબ આપી રહ્યા છે કે, અમારે એટલી ક્ષમતા નથી કે અમે હજારોની સંખ્યામાં આવતાં ટેન્કરો પર નજર રાખીને એની તપાસ કરતાં રહીએ.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share