ગુજરાતની કેટલીક ગ્રામ પંચાયતમાં મતદારોએ યુવાઓના હાથમાં સુકાન આપ્યું

Share

 

રાજ્યની 8684 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ મોટાભાગની પંચાયતોના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. ત્યારે કેટલાંક ગામોમાં મતદારોએ ગામના વિકાસ માટે યુવાઓને તક આપી છે.

 

 

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સમણવા ગામની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ તરીકે 21 વર્ષિય કાજલ રતનજી ઠાકોરનો 105 મતે વિજય થયો છે. કાજલબેન ઠાકોરે ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે.

 

 

સમણવામાં સરપંચ તરીકે વિજેતા થયા બાદ હવે આગામી 5 વર્ષ ગામના વિકાસની જવાબદારી તેના પર રહેશે. વિજેતા બન્યા બાદ કાજલબેન ઠાકોરે ગામ લોકોનો આભાર માન્યો હતો. આગામી દિવસોમાં સરકારની તમામ યોજનાઓનો ગામ લોકો સુધી લાભ પહોંચાડવાની વાત કરી હતી.

 

 

અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના લોકોએ પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યુવા સરપંચની પસંદગી કરી છે. સરપંચ પદના ઉમેદવાર નરેન્દ્ર વરૂનો 1439 મતથી વિજય થયો છે. નરેન્દ્ર વરૂની ઉંમર 32 વર્ષ છે. તેને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે.

 

 

આ અંગે નાગેશ્રી ગામના યુવા સરપંચે જણાવ્યું હતું કે, ‘અમારી ટીમે ચૂંટણી પહેલાં ગામ લોકોને વિકાસના જે વચનો આપ્યા હતા તે પૂર્ણ કરવા માટે પ્રયાસો કરીશું. ગામના લોકોને તમામ સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે અમે પ્રયત્નશીલ રહીશું. પોતાની અને પોતાની ટીમને જીત અપાવવા બદલ યુવા સરપંચે ગામ લોકોનો આભાર માન્યો હતો.’

 

 

ગાંધીનગરના દહેગામ, માણસા, ગાંધીનગર અને કલોલની 156 ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં ચારેય તાલુકામાંથી સૌથી નાની વયે ઉમેદવારી નોંધાવનાર શાહપુર ગામના 23 વર્ષિય અર્પિત હસમુખભાઇ પટેલનો સરપંચ તરીકે વિજય થયો છે.

 

શાહપુર ગામના સરપંચ તરીકે અર્પિત પટેલનો 1165 મતે વિજય થતાં ખુશીની લહેર સાથે વિકાસથી વંચિત શાહપુર ગામની કાયાપલટ થશે તેવી ગ્રામજનોમાં આશા બંધાઇ છે. ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને અર્પિત પટેલે અમદાવાદની એન્જીનિયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જીનિયરની ડિગ્રી મેળવી છે.

 

શરૂઆતથી જ વડીલોની સેવાથી અર્પિત પણ નાનપણથી ગામના વિકાસ માટેની ખેવના રાખતો હતો. જેના પિતા હસમુખભાઇ પટેલ ગાંધીનગરમાં એચ. કે. ના હુલામણા નામથી જાણીતા છે. જેઓનો મૂળ વ્યવસાય ખેતી ઉપરાંત કન્સ્ટ્રક્શનનો છે.

 

આ અંગે જીલ્લામાં સૌથી નાની વયનો સરપંચ બનવા સંદર્ભે અર્પિત પટેલે જણાવ્યું હતું કે, ‘અમારો આખો પરિવાર સમાજ સેવામાં પહેલેથી આગળ હોય છે. પરિવારમાં શરૂઆતથી જ સેવાભાવનું મારામાં સિંચન થયું છે. જેમાં મારા પિતા હસમુખભાઇ અને માતા દીપિકાબેનનો ખૂબ જ મહત્વનો ભાગ રહ્યો છે.

 

મારા પિતા પણ તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. હાલ તો અમે સેક્ટર-26 કિસાન નગરમાં રહીએ છીએ. પણ ગામમાં આવતો ત્યારે ગામની ઘણી સમસ્યાઓ જોવા મળી હતી. જેના માટે મેં ઘરમાં સરપંચની ઉમેદવારી નોંધાવવા માટેની વાત રજૂ કરી હતી. જેનો પરિવારે પણ સહર્ષ સ્વીકાર કરીને મને છેક સુધી સહકાર આપ્યો છે.

 

એમાંય ખાસ કરીને મારા મામા જે લવારપુર ગામના સરપંચ હર્ષદભાઇ પટેલ રાજકીય ક્ષેત્રે આગળ છે. તેમનો પણ ખૂબ જ સહયોગ મળ્યો છે. ગામની વાત કરૂ તો અમારા પરિવારે શાહપુર ગામનું ઘર બ્રહ્માકુમારી સંસ્થાને આપી દેવાયું છે. જ્યાં વિવિધ ધાર્મિક પ્રવૃતિઓ દરરોજ થાય છે.’

 

દાહોદના ઘેસવા ગામના લોકોએ 21 વર્ષિય યુવતી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઘેસવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના યુવા ઉમેદવાર રીન્કુ ડામોરનો વિજય થયો છે. રીન્કુ ડામોરના વિજયનો ગામ લોકોએ આવકાર્યો હતો. તો રીન્કુ ડામોરે પોતાની જીત બદલ ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં ગામનો વિકાસ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share