બાળકોની કફોડી હાલત: દાળ-શાકમાં ઇયળ, દૂધમાં પાણી, કાચી-બળેલી રોટલી : લિંડા શિક્ષણ સંકુલમાં બાળકોનો હોબાળો

Share

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના લિંડા ગામે શિક્ષણ સંકુલમાં ધારસિમેલ, પિસાયતા, ઘૂંટીયાઆંબા અને મોડલ સ્ફુલ નસવાડી કાર્યરત છે. દરરોજ બપોરનું 1500થી વધુ વિદ્યાર્થીઓનું જમવાનું અહીં બને છે. જ્યારે શિક્ષણ સંકુલમાં ત્યાં જ રહી 1200થી વધુ કન્યાઓ અભ્યાસ કરે છે. શાળા શરૂ થઈ ત્યારથી ભોજનની ગુણવતા પર કન્યાઓએ પ્રશ્ન કર્યાં છે. પણ કોઈ ધ્યાન આપતું નથી.

આદિવાસી કન્યાઓને ભોજનમાં ઈયળ નીકળતી હોવા છતાંય ચલાવી લે છે. સોમવારે અને અગાઉ આપેલ ભોજમમાંથી ઈયળો નીકળી હતી. કન્યાઓ આજે વિફરી હતી અને ભોજનની ગુણવતાને લઈ રોષે ભરાઈને થાળી, ચમચી વગાડી 1000થી વધુ કન્યાઓ હોબાળો મચાવ્યો હતો.

ભોજન સારું ન મળતું હોઇ કન્યાઓ ભૂખી રહેવા મજબુર બની છે. વર્ષે એક બાળક પાછળ આદિજાતિ વિભાગ 45 હજારનો ખર્ચ કરે છે. છતાંય ટ્રાયબલના અધિકારીઓ ધ્યાન આપતા નથી. ભોજનનો ઇજારદાર ગાંધીનગરમા પહોંચ ધરાવતો હોય ત્યાં બેસી બધું સંભાળી લે છે. છોટાઉદેપુર પ્રાયોજના અધિકારી પણ આ બાબતે ધ્યાન આપતા નથી.

સ્કૂલમાં ભણવા માટે મુકવામાં આવતું બ્લેકબોર્ડ જ્યાં લખાયેલી વસ્તુથી વિદ્યાર્થીઓનું ભાવિ બને છે. પરંતુ અહીં બ્લેકબોર્ડની વ્યાખ્યા બદલાઇ છે. મોડેલ સ્કૂલમાં રહી અભ્યાસ કરતી વદ્યાર્થિનીઓને મળતું ઇયળ વાળું જમવાનું તેમને તેમના બ્લેકબોર્ડ પર જ તેમનો કાળો વર્તમાન લખવા પર મજબૂર કરી ગયો હતો. તેમણે લખ્યુ હતું કે, દાળમાં ઇયળ હોય છે, માટે શાક ખાવા જઇએ તો તેમાં પણ ઇયળ છે. સવાર-સાંજનો નાસ્તો અડધો ચમચો હોય છે. પ્રિન્સિપાલને કહીએ તો સાંભળતા નથી. અમારે ક્યાં જવું? પાણી પીને જીવન જીવવું?

‘કન્યાઓને સારું ભોજન મળતું નથી. અવાર નવાર બીમાર થાય, પેટમાં દુઃખવાની ફરિયાદ કરે છે. દૂધ પાણી જેવું, એકલું કઠોળ આપે, સારું ભોજન આપવું જોઈએ. લાખ્ખો રૂપિયા આદિવાસી બાળકો પાછળ સરકાર ખર્ચે એનો શું મતલબ ? સારું ભોજન અપાય તેવી માંગ છે.’ -જેશલ રાઠવા, વાલી

‘ભોજન બાબતે કન્યાઓએ સોમવારે ઉગ્ર રજૂઆત કરી છે. અમે જેતે ઇજારદારને સારું ભોજન આપવા જણાવ્યું છે. ઈયળ નીકળી હોય આ પ્રશ્ન ઉભો થયો છે. અમે આ બાબતે ધ્યાન આપીશું.’ – ભગાજીભાઈ પટેલ, આચાર્ય

ઈયળ હતી, અમે નવા છીએ, ધ્યાન આપીશું : ફૂડ મેનેજર. ‘ખાવામાં ઈયળ નીકળી હોય કન્યાઓએ હોબાળો કર્યો છે. અમે ધ્યાન આપીશું. 1500થી વધુ કન્યાઓનું જમવાનું બને છે. અમે નવા આવ્યા છે.’ – સંતોષભાઈ પાલ, ભોજન દેખરેખ મેનેજર

 

From – Banaskantha Update


Share