સિદ્ધપુરના સરસ્વતી મુક્તિ ધામમાં ધારાસભ્ય આશાબેનની અંતિમ વિધી કરાઇ : ઉંઝા અને વડનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

- Advertisement -
Share

 

મહેસાણા જીલ્લાના ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું રવિવારે અવસાન થતાં સોમવારે સિદ્ધપુરમાં અંતિમ વિધી કરાઇ હતી. આશાબેનના પાર્થિવ દેહને રવિવારે રાત્રે ઉંઝા એ.પી.એમ.સી. માં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી સવારે તેમના વતન વિશોળમાં લઇ જવાયો હતો. ત્યાંથી સિદ્ધપુરના સરસ્વતી મુક્તિ ધામમાં આશાબેનની અંતિમ વિધી તેમના ભાઇના હાથે પૂર્ણ કરાઇ હતી.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બળવંતસિંહ રાજપૂત અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહીતના નેતાઓ આશાબેનની અંતિમ વિધીમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ‘ભારત માતાકી જય, વંદે માતરમ અને આશાબેન તુમ અમર રહો’ના નારા લાગ્યા હતા.

 

 

સોમવારે સવારે 8:00 વાગ્યે ઉંઝા એ.પી.એમ.સી. ખાતેથી તેમની અંતિમ યાત્રા કઢાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલ ધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક અને ઉંઝા નગરપાલિકાથી અંડરબ્રિજ થઈ તેમના ગામ વિશોળ ખાતે લઇ જવાઇ હતી. ત્યાંથી અંતિમ વિધી પાર્થિવ દેહને સિદ્ધપુર લઈ જવામાં આવ્યો હતો.

 

 

મહેસાણા જીલ્લાના ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતાં રવિવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને ઉંઝા લઈ જવામાં આવ્યો હતો.

 

 

ઉંઝા એ.પી.એમ.સી. માં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવ દેહના મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યાં હતા. જ્યારે સોમવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. આશાબેનના નિધનને લઇને સમગ્ર ઉંઝા શોકમય બન્યું છે. ઉંઝા અને વડનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને આશાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના દુઃખદ અવસાન અંગે ઉંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી ડો.આશાબેનના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે રવિવારે ઉંઝા પહોંચ્યા હતા અને સદગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

 

 

મુખ્યમંત્રીએ ડો.આશાબેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી હતી. સ્વ.આશાબેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી હતી.આશાબેન પટેલની અંતિમ વિધીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેને પગલે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા નદીના પટમાં જરૂરી વ્યવસ્થા કરાઇ હતી.

 

 

આશાબેન પટેલની અંતિમ વિધીમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત અને ધારાસભ્યો સહીત મોટી સંખ્યામાં અગ્રણી મહેમાનો અગ્નિ સંસ્કાર સમય ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

 

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. જે. વોરાએ જણાવ્યું હતું હતું કે, ‘ડો.આશાબેન યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકેનું ગૌરવ હતા. પહેલાં કેમિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો હતો. બાદમાં મારી ગાઈડશિપ નીચે પી.એચ.ડી. કર્યું હતું. લાંબા વર્ષો અમારો ગુરુ-શિષ્યાનો નાતો રહ્યો હતો.

 

તેમણે મારી આજ્ઞાનો ક્યારેય અનાદર નથી કર્યો. કોઈપણ વસ્તુ કહો એટલે કરવા માટે ઉત્સાહ સાથે હકારાત્મક અભિપ્રાય હોય. ઉપરાંત વર્ગખંડમાં કે અમે ટૂરમાં જઈએ ત્યાં બધાની દેખરેખ અને નેતૃત્વ કરતાં હતા. વિદ્યાર્થી કાળમાં જ તેમનામાં લીડર તરીકેના ગુણ મેં દેખ્યા છે. તેમના નિધનને લઈ ખૂબ જ દુઃખની લાગણી છે. જીવનકાળમાં આજ્ઞાકારી શિષ્ય તરીકે હંમેશાં આશાબેન યાદ રહેશે.’

 

પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર વરુણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ઉત્તર ગુજરાત અને ખાસ કરીને રાજ્યના પાટીદાર સમાજે ડૉ. આશાબેન પટેલના રૂપમાં એક લડાયક મહીલા આગેવાન ગુમાવ્યા છે. પાટીદાર આંદોલન સમયે તેમની ઉત્તર ગુજરાતમાં એકદમ સક્રીય ભૂમિકા રહી હતી.

 

તેઓ પ્રોફેસર અને એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોવા છતાં પાટીદાર આંદોલનને ખુલ્લું સમર્થન આપતાં રહ્યા હતા. રાજકારણી હોવા છતાં ક્યારેય રાજકારણી જેવી વાતો કરી નથી. સમગ્ર સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના હતી. ધારાસભ્ય બન્યા બાદ કરેલાં કાર્યો એનો પૂરાવો છે.’

 

ડૉ. આશાબેન પટેલ વિશ્વભરમાં પથરાયેલા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝામાં સક્રીય રીતે જોડાયેલા હતા. વર્ષ-2019 માં યોજાયેલા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞની મહત્ત્વપૂર્ણ નાણાં કમિટીના ચેરમેન તરીકે સફળતાપૂર્વક જવાબદારી વહન કરી હતી.

 

તેઓ ઉમિયા માતાજી સંસ્થા ટ્રસ્ટ ઉંઝાના કારોબારી સભ્ય પણ હતા. તેમણે 84 કડવા પાટીદાર મહીલા સમાજના મહામંત્રી અને 84 કડવા પાટીદાર ઉત્તેજક મંડળના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. સામાજીક કાર્યોથી સંખ્યા બંધ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા હતા. છેવાડાની વ્યક્તિ સાથે ઘનિષ્ઠ નાતો સંપર્ક હોઇ ખૂબ સારી લોકપ્રિયતા ધરાવતા હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!