નિર્મલા સીતારમણે વ્યાજદરમાં કાપનો નિર્ણય એમ જ નહોતો લીધો, PMO એ વહેલી સવારે આપ્યા હતા આદેશ :

- Advertisement -
Share

નાણાંમંત્રાલય દ્વારા લેવાયેલો નાની બચતો પર વ્યાજદરમાં કપાતનો નિર્ણય માત્ર 12 જ કલાકમાં પલટી નાખવા પાછળ PMO કારણભૂત હતુ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે ગુરૂવારે સવાર સવારમાં PMOએ નાણાંમંત્રાલયને નિદેશ આપ્યા હતાં. ત્યાર બાદ જ સવારમાં 8 વાગ્યાની આસપાસ નાણાંમંત્રીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી હતી.

વ્યાજદરમાં કાપ મુકવાના નિર્ણયને પાછો લેવાનો સમય પણ ઘણો જ મહત્વપૂર્ણ છે કારણ કે, પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થવાની ગણતરીની મીનીટો પહેલા જ તેને પાછો ખેંચવામાં આવ્યો હતો. નાણાંમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, વ્યાજદરોમાં કાપનું આ નોટિફિકેશન ‘ભુલ” થી જાહેર થઈ ગયું હતું. નાની બચત યોજનાઓ પર વ્યાજદરોમાં કાપના આ નિર્ણયને ખુદ નાણાંમંત્રીએ જ બુધવારે મંજુરી આપી હતી.

એપ્રિલથી જૂનના ત્રિમાસીક સમયગાળા માટે નાની બચત યોજનાઓ પર વ્યાજદરોમાં કાપ બદલ સરકારની આકરી ટીકા કરવામાં આવી રહી હતી. દેશમાં 80 ટકા લોકો આવી નાની બચત યોજનાઓમાં પૈસા રોકે છે. પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, સીનિયર સિટીઝન સેવિંક્સ સ્કીમ સૌથી લોકપ્રિય છે, જયાં લોકો પોતાની કમાણીમાંથી થયેલી બચતના પૈસા રોકે છે.

નાણાંમંત્રી ભલે એમ કહી રહ્યાં હોય કે નોટિફિકેશન ભૂલથી જાહેર થઈ ગયું હતું પરંતુ હકીકત એ છે કે, આ પ્રકારના નિર્ણયો ખુબ જ સમજી-વિચારીને અને લાંબી પ્રક્રિયા બાદ જ લેવાય છે. તેના માટે ઓછામાં ઓછા 15 દિવસ તો વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણાઓ હાથ ધરવામાં આવતી હોય છે. આ વિચાર વિમર્શની પ્રક્રિયામાં નાણાંમંત્રાલયના જુદા જુદા વિભાગ, પોસ્ટ ઓફિસ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારી પણ શામેલ છે. ભલામણો પર નાણાંમંત્રીની અંતિમ પ્રક્રિયા લીધા બાદ જ નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે. સૂત્રોનું કહેવુ છે કે, આ વખતે પણ આ પ્રકારની જ પ્રક્રિયાનું પાલન થયુ હતુ.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, વ્યાજદરોમાં ફેરફારને લઈને જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનને પાછુ લેવાના નિર્દેશ પીએમઓએ એકદમ વહેલી સવારે આપ્યો હતો. તેના એક કલાકની અંદાર જ PMOના નિર્દેશાનુસાર વ્યાજદરના નવા રેટ પાછા ખેંચવામાં આવ્યા હતાં. આ ખરેખર એક ગંભીર બાબત બની ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, સરકારે બુધવારે એક જાહેરનામું બહાર પાડી કહ્યું હતું કે સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ દર ચાર ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યો હતો. સાથે જ એક વર્ષથી લઈને 5 વર્ષ સુધીની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં પણ કાપ મૂકાયો હતો. આ સિવાય સરકારે અન્ય અનેક નાની યોજનાઓના વ્યાજ દરમાં 0.5 ટકાથી 1.1 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, વ્યાજમાં કાપનો આદેશ “ભૂલથી” જાહેર કરાયો હતો.

દરમિયાન સરકારે આ મુદ્દે રાતોરાત યુ ટર્ન લઈને તેનો નિર્ણય બદલવો પડયો હતો, જેને પગલે વિપક્ષે મોદી સરકાર, ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સીતારામનની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીઓમાં સંભવિત નુકસાનના ડરથી કેન્દ્ર સરકારે વ્યાજદરોમાં ઘટાડાનો નિર્ણય રાતો રાત પાછો ખેંચી લીધો હતો, પરંતુ આ તેના એજન્ડામાં જ છે, જેનો અમલ ચૂંટણી પછી કરાશે. નાણામંત્રી સીતારામને જે રીતે રાતોરાત આ નિર્ણય પાછો લીધો છે તે દેશના અર્થતંત્ર મુદ્દે મોદી સરકારની “અસંવેદનશીલતા” દર્શાવે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!