સ્પાના નામે ગોરખધંધો..? : રિસેપ્શનિસ્ટે કહ્યું – મસાજના 1,200 અને બીજી સર્વિસનો ભાવ તમે નક્કી કરો

Share

રાજકોટ શહેર પોલીસની મીઠી નજર હેઠળ સ્પામાં ગોરખધંધા ચાલી રહ્યા હોવાનો પુરાવો હાથે આવ્યો છે. સ્પામાં કોલિંગ માટે બેસતી રિસેપ્શનિસ્ટ ગ્રાહકોને ફોન કરી મસ્તીનો સ્ટાફ છે. ક્યારે આવો છો કહી કોલ કરે છે. આ વાતચીતનું ઓડીયો રેકોર્ડિંગ પાસે આવ્યું છે.

 

 

 

ત્યારે આ ઓડીયો-ક્લિપ પરથી એક વાત સ્પષ્ટ છે કે સ્પામાં ગોરખધંધા ચાલી રહ્યા છે અને પોલીસ સ્પામાં દરોડા કરી સબ સલામતના દાવા કરી રહી છે. આ ઓડિયો-ક્લિપ શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આવેલા બોસ સ્પાની છે, જેમાં મહીલા કોલર ગ્રાહકને કહે છે કે સર્વિસમાં મસ્તીનો સ્ટાફ છે. દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી, ગોવા, જમ્મુ અને ગુજરાતી મળશે.

 

 

 

 

 

 

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી એ.સી.પી. ક્રાઇમ ડી.વી. બસિયાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 12 જેટલી ટીમ બનાવી રાજકોટ શહેરના અલગ અલગ 28 સ્પામાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

 

 

 

આ 12 ટીમમાં 5 પી.એસ.આઇ., 45 એ.એસ.આઇ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને 6 મહીલા પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 28 પૈકી એકપણ સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિ ન થતી હોવાનું સામે આવ્યું હતું. જો કે, વાસ્તવિકતા કંઇક અલગ છે અને એમાં સ્પામાં મસાજના બદલે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો પુરાવો પાસે હાથ લાગ્યો છે.

 

 

 

 

રાજકોટના પોશ વિસ્તાર સમા કાલાવડ રોડ પર આવેલા બોસ સ્પાની રિસેપ્શનિસ્ટે એક ગ્રાહકને કોલ કર્યો હતો. આ વાતચીતની ઓડીયો-ક્લિપ હાથ લાગી છે. એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મસ્તીનો સ્ટાફ છે, ક્યારે આવો છો? કોલ કરી ગ્રાહક સાથે કરેલી સમગ્ર વાતચીતને અક્ષરશઃ અહીં વર્ણાવવામાં આવી છે.

 

 

રિસેપ્શનિસ્ટ: હેલ્લો બોસ સ્પામાંથી વાત કરું છું સર…

ગ્રાહક: કંઈ જગ્યાએ આવ્યું બોસ સ્પા

રિસેપ્શનિસ્ટ: કાલાવડ રોડ, વોકહાર્ટ હોસ્પિટલની સામે, આઇ.ડી.એફ.સી. બેન્કની બાજુમાં

ગ્રાહક: હં.. હં…

રિસેપ્શનિસ્ટ: મેં કહ્યું આવવાના છો? આજે થેરપી માટે મસ્તીનો સ્ટાફ છે.

ગ્રાહક: તમારી પાસે નંબર ક્યાંથી આવી જાય ખબર નથી પડતી મેડમ.

રિસેપ્શનિસ્ટ: મારી પાસે તો આ જ નંબર છે.

ગ્રાહક: નહીં, તમારી પાસે મારો નંબર ક્યાંથી આવી જાય.

રિસેપ્શનિસ્ટ: કેમ શું થયું?

ગ્રાહક: કંઇ નહીં, કંઇ જગ્યાએ કહ્યું?

રિસેપ્શનિસ્ટ: વોકહાર્ટ હોસ્પિટલની સામે, આઇ.ડી.એફ.સી. બેન્કની બાજુની શેરી.

ગ્રાહક: નોર્થ-ઇસ્ટ સ્ટાફ?

રિસેપ્શનિસ્ટ: ના ના, દિલ્હી, મુંબઈ, પંજાબ, ગોવા, મારવાડી, જમ્મુ, ગુજરાતી.

ગ્રાહક: ઓહો.. જાજુ છે.. કંઇ વાંધો નહીં, આવું એટલે કોલ કરું, અત્યારે હું બહારગામ છું.

રિસેપ્શનિસ્ટ: કાલ સુધીમાં આવશો?

ગ્રાહક: ના ના, એમ વાર લાગશે.

રિસેપ્શનિસ્ટ: વાંધો નહીં, આવો એટલે આ નંબર પર કોલ કરજો.

ગ્રાહક: આ નંબર સેવ રાખું ને ?

રિસેપ્શનિસ્ટ: હા જી સર, આ નંબર પર કોલ કરજો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી વખત કોલ પર ગ્રાહકે બીજી સર્વિસ મળશે કે કેમ પૂછતાં રિસેપ્શનિસ્ટે કહ્યું, બધું થઇ જશે, તમે આવી જાઓ. મસાજ થેરપીના રૂ. 1200 લઈશું અને બીજી સર્વિસનો ચાર્જ તમારે નક્કી કરવાનો રહેશે.

 

 

 

એટલે એ વાત તો સ્પષ્ટ છે કે આ સ્પા પર ગોરખધંધા ચાલી રહ્યા છે. પરંતુ પોલીસને એની જાણ નથી કે મીઠી નજર હેઠળ ચાલે છે એ એક મોટો સવાલ છે. એટલું જ નહીં, સાંજના 6 થી 7 વાગ્યા પછી આવવામાં સેફ્ટી રહેશે, આવો પણ અત્રે ઉલ્લેખ રિસેપ્શનિસ્ટે કર્યો હતો.

 

From – Banaskantha Update


Share