ભાભરની ફાયનાન્સમાં નકલી સોનાનો હાર આપી 4 શખ્સોએ રૂ.17.21 લાખની લોન લઇ છેતરપિંડી આચરતાં ચકચાર

Share

 

ભાભરના ચાર શખ્સોએ ફાયનાન્સ કંપનીમાં નકલી દાગીના આપી રૂ.17.21 લાખની લોન લીધી હતી. આ અંગેની જાણ થતાં ફાયનાન્સ કંપનીના હેડે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાભર તિરૂપતિ માર્કેટમાં મન્નપુરમ ફાયનાન્સ કંપની લીમીટેડની બ્રાન્ચ શાખા આવેલી છે. જ્યાં સોના સામે લોન આપવામાં આવે છે.

 

 

તે દરમિયાન ભાભર જૂનાના બાબુલાલ શિવરામભાઇ સોનીએ નકલી દાગીના આપી રૂ.3,63,987, પ્રવિણભાઇ બાબુલાલ સોનીએ નકલી દાગીના આપી રૂ.11,11,177, દશરથભાઇ અમરતલાલ સોનીએ નકલી દાગીના આપી રૂ.1,32,000 અને અમરતભાઇ કાનજીભાઇ સોનીએ નકલી દાગીના આપી રૂ.1,14,500 મળી કુલ રૂ.17,21,664 ની લોન મેળવી ફાયનાન્સ કંપની સાથે છેતરપીંડી આચરી હતી.

 

 

 

 

 

આ અંગે ફાયનાન્સ કંપનીના હેડ હાલ રાધનપુર રત્નાગર સોસાયટી મૂળ ઓરીસ્સાના ખોડધાર જીલ્લાના બોલગોલ્ડ તાલુકાના બાન્કોઇના દીપ્તીમાન રમેશચંદ્ર ચૌધરીએ ભાભર પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

બાબુલાલ શિવરામભાઇ સોનીએ સોનાનો નેકલેશ સેટ 107.212 ગ્રામ, પ્રવિણભાઇ બાબુભાઇ સોનીએ નેકલેશ સેટ 78.3 ગ્રામ, નેકલેશ સેટ 76.700 ગ્રામ, નેકલેશ સેટ 99.100 ગ્રામ, દશરથભાઇ અમરતલાલ સોનીએ નેકલેશ સેટ 42.560 ગ્રામ અને અમરતભાઇ કાનજીભાઇ સોનીએ નેકલેશ સેટ 37.044 ગ્રામ નકલી આપી લોન લીધી હતી.

 

 

 

 

 

ચારેય શખ્સોએ દાગીના ઉપર લોન લીધા પછી એક પણ હપ્તો ભર્યો ન હતો. ફાયનાન્સ કંપનીએ તેમને નોટીસ આપી હોવા છતાં હપ્તાની રકમ ભરતા ન હતા. કંપનીના ફોન પણ રીસીવ ન કરતાં આખરે દાગીનાની ચકાસણી કરાઇ હતી. જે નકલી હોવાનું માલૂમ પડતાં તેમની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share