સુરતમાં રાંદેરના ઉગત-ભેંસાણ રોડ પર રહેતાં કમ્પ્યુટર ઓપરેટર સાથે સોશિયલ મીડીયા પર મિત્રતા કર્યા બાદ તેનો બિભત્સ વીડિયો બનાવી યુવતીએ બ્લેકમેઇલ કર્યો હતો. મૃતકનો મોબાઇલ ચેક કરતાં ખબર પડી કે રૂ. 20 હજાર ખંખેર્યા બાદ વધુ રૂપિયા માંગી યુવતીએ સતત બ્લેકમેઇલ કરતાં યુવકે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. યુવકની આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે યુવતી સહીત બેને પકડી પાડયા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
[google_ad]
મૂળ ઓલપાડનો અને ઉગત-ભેંસાણ રોડ પર રહેતાં તેમજ ઓનલાઇન શોપિંગની ઓફીસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતાં 26 વર્ષિય યુવકે તા. 31મી ઓક્ટોબરે મોડી રાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારને સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતાં તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેમાં યુવક સાથે યુવતીએ સોશિયલ મીડીયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હતો.
[google_ad]
યુવતીએ યુવકનો બિભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતાં યુવકે ત્રાસી જઇ ફાંસો ખાધો હતો. જો કે, વીડીયો ડીલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માંગણી ચાલુ જ રાખી હતી.
[google_ad]
સમાજમાં બદનામીના ડરે યુવકે તા. 31મી ઓક્ટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પે.ટી.એમ.થી રૂ. 5 હજાર, 2.26 વાગ્યે બીજા રૂ. 5 હજાર તેમજ 2.29 વાગ્યે રૂ. 10 હજારની રકમ મળી કુલ રૂ. 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી. છતાં યુવતી તેની પાસે વીડીયો ડીલિટ કરવા માટે વધુ રૂ. 5 હજારની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી.
From – Banaskantha Update