ડીસામાં શરુ થયું બટાટાનું વાવેતર : વાંચો અમારો આ વિશેષ અહેવાલ

- Advertisement -
Share

બટાટા નગરી તરીકે ઓળખવામાં આવતા ડીસામાં બટાટાના વાવેતરની ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે. પરંતુ આ વર્ષે ખેડૂતોએ બટાટાની ધાર્મિક વિધિ મુજબ પુજા કરીને વાવેતર કરવાની શરૂઆત કરી છે. ખેડૂતોને આશા છે કે આગામી વર્ષમાં બટાટાના સારા ભાવ મળી રહેશે અને તેનાથી દેવાદાર બનેલો ખેડૂત એકવાર ફરી પગભર બની શકસે. આ તમામ બાબતો આપણે આ અહેવાલમાં જાણીશું પરંતુ શરૂઆત કરીશું બટાટા નગરી તરીકે ખ્યાતનામ થયેલા ડીસા શહેરમાં ક્યારથી, કેવી રીતે અને કોને બટાટાના વાવેતર કરવાની શરૂઆત કરી હતી…? તો જુઓ અમારો આ ખાસ અહેવાલ…



ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જીલ્લામાંથી પસાર થાય છે બનાસ નદી. આ નદી રાજસ્થાનમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓથી નીકળીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બનાસ નદી આ જિલ્લા માટે જીવાદોરી સમાન નદી છે અને એટ્લે જ આ નદીમાં આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા બટાટાના વાવેતરની શરૂઆત થઈ હતી.



ડીસામાં દોઢસો વર્ષ પહેલા અહીં વસતા મુસ્લિમ સમાજની કોઝડા જાતિના લોકોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ડીસામાં વસતા માળી સમાજ, પટેલ સમાજ અને ઠાકોર સમાજ દ્વારા વાવેતર કરવાની શરૂઆત થઈ હતી. પહેલા નદીમાં જ બટાટાટનું વાવેતર થતું હતું અને સમય જતાં ધીરે ધીરે ખેતરોમાં બટાટાનું વાવેતર થવા લાગ્યું અને બનાસ નદી સુકાઈ જતાં જે વાવેતર નદીમાં થતું હતું તે ખેતરોમાં થવા લાગ્યું અને ડીસા તાલુકો બટાટા નગરી તરીકે ખ્યાતનામ થયો.



ડીસાના ખેડૂતો બટાટાની ખેતી કરીને સધ્ધર પણ થયા પરંતુ સમય જવા લાગ્યો અને બટાટાની ખેતીમાં નુકશાન થવાની શરૂઆત થવા લાગી. ડીસાના સિનિયત ખેડૂત જણાવી રહ્યા છે કે આજથી લગભગ ત્રિસેક વર્ષ પહેલા બટાટાના જે ભાવ હતા અત્યારે પણ ખેડૂતોને એટલા જ ભાવ મળી રહ્યા છે અને તેની સામે કૃષિ ખર્ચ દશ ગણો વધી ગયો છે. આ ઉપરાંત પહેલા જે પાણી પચાસ ફૂટ પર હતું તે પાણી હવે સાતસો ફૂટ ઊંડી પહોંચી જતાં વીજળી ખર્ચ પણ વધી ગયો છે અને ઊંડાણથી આવતા પાણી પણ ખેતી માટે હાનિકારક હોવાથી ખેડૂતોને બટાટાની ખેતીમાં નુકશાન થતું હોવાનું જણાવી રહ્યા છે.



બટાટા નગરી તરીકે જાણીતા ડીસામાં ગુજરાતમાં સહુથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. એના પરથી જ સમજી શકાય છે કે ડીસામાં બટાટાનું વાવેતર કેટલા પ્રમાણમાં થતું હશે. ગુજરાતમાં જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા તેના અડધાથી વધારે કોલ્ડ સ્ટોરેજ તો એક માત્ર ડીસામાં આવેલા છે. ત્યારે ડીસામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ જણાવી રહ્યા છે કે આ વર્ષે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં બટાટાના વાવેતર બાદ નુકશાન થયું છે અને તેના લીધે ત્યાં બીજી વાર બટાટાનું વાવેતર કરવાની ફરજ પડી છે અને તેના કારણે ડીસાના બટાટાનો ભાવ શરૂઆતમાં સારો રહેશે.



વર્તમાન સમયની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની ખેતીમાં ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને તેની સામે બટાટાના ભાવો ખૂબ જ નીચા મળી રહ્યા હોવાથી ખેડૂતોને બટાટાની ખેતીમાં ફાયદો તો દૂરની વાત છે પરંતુ નુકશાન સહન કરવું પડી રહ્યું છે અને તેના લીધે ખેડૂતો હવે દિવસેને દિવસે દેવાદાર બની રહ્યા છે.



ત્યારે બેહાલ બનેલા ખેડૂતોએ હવે બટાટાની ખેતીની શરૂઆત કરતાં પહેલા અધ્યાત્મિક માર્ગ અપનાવીને વાવેતર પહેલા જ બટાટાની અને ગણેશજીની શાસ્ત્રોકત વિધિ મુજબ પુજા કરીને બટાટાના વાવેતરની શરૂઆત કરી છે અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં બટાટાના સારા ભાવો મળશે અને ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકસે. આ ઉપરાંત ખેડૂતો સરકાર સમક્ષ પણ વિનંતી કરી રહ્યા છે કે સરકાર દ્વારા ફર્ટિલાઇઝરના ભાવોમાં ઘટાડો કરે અને સમયસર વીજળી આપે જેથી ખેડૂતો સરળતાથી વાવેતર કરી શકે અને કૃષિ ખર્ચમાં ઘટાડો થઈ શકે.



બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની ઓળખ બટાટા નગરી તરીકે વિખ્યાત થયેલી છે પરંતુ વર્તમાન સમયમાં બટાટાની ખેતી સામે અનેક પડકારો ઊભા થયા છે અને તેના લીધે બટાટાની ખેતી કરવી ખૂબ જ મોંઘી સાબિત થઈ રહી છે અને તેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે આવી જ પરિસ્થિતી રહેશે તો આગામી સમયમાં ડીસાની બટાટા નગરી તરીકેની ઓળખ પણ ભૂંસાઈ શકે તેમ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!