ભજનમાં જઇ રહેલ મિત્રોને નડયો ગોજારો અકસ્માત : ગાડી ખેતરમાં ઉલ્ટી થઇ પડી : 4 મિત્રમાંથી એકનું મોત

Share

 

 

રાજકોટ-ભાવનગર હાઇવે પર જસદણના વિરનગર ગામ નજીક ગત મધરાતે કાર પલ્ટી મારી ચાર ગોથા ખાઇ ખેતરમાં જઇને પડી હતી. જસદણ ભજનમાં જતાં ચાર મિત્રોમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

 

 

જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતથી રાત્રે આટકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતકના મૃતદેહને પી.એમ. માટે જસદણ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ-ભાવનગર હાઇવે પર વિરનગર ગામ નજીક ગોળાઇમાં રાત્રે બે વાગ્યે ટાટા નેક્સોન કાર નં. GJ-03-LR-2147 ના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આથી કાર રોડ પર ચાર ગોથા ખાઇ ગઇ હતી અને બાજુના ખેતરમાં ફંગોળાઇને પડી હતી.

 

 

આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર મહેક ભાવેશભાઇ મકવાણા (ઉં.વ.આ. 32) નું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પાર્થ રાજનાથસિંહ, હરદીપસિંહ અને ધ્રુવરાજસિંહને ગંભીર ઇજાઓ પહોંચતાં જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

પરંતુ ઇજાઓ ગંભીર હોવાને કારણે ત્રણેયને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાસ્થળે 108 વાન દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયા હતા. મહેક તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો છે.

 

 

આ ચારેય મિત્રો જસદણ ભજનમાં આવતાં હતા ત્યારે વિરનગર નજીક અકસ્માત નડયો હતો. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.પી. મેતા સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 


Share