બનાસકાંઠા જીલ્લામાં મામલતદાર શહેર અને ગ્રામ્ય વિસ્તારની બે ટીમોએ અલગ-અલગ બે જગ્યાએથી બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 4868 લીટર રૂ. 1,97,450, લોખંડનું ટેન્કર રૂ. 30,000 અને અન્ય સલગ્ન ચીજવસ્તુઓ રૂ. 10,000 કુલ રૂ. 2,37,450 અને 1000 લીટર રૂ. 54,000 , ટેન્કર રૂ. 1,50,000 કુલ રૂ. 2,04,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પાલનપુર પૂર્વ પોલીસે 2 શખ્સોની વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર શહેરમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ નારાયણલાલ પરમાર, મામલદાર પાલનપુર ગ્રામ્ય કચેરીના નાયબ મામલતદાર (વહીવટ) મુકેશભાઇ ચૌધરી, ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા સફીરાબેન કડીવાલા, જીલ્લા પુરવઠા અધિકારીના હેડ ક્લાર્ક અભિષેક ગોહીલ, મુખ્ય પુરવઠા નિરીક્ષક વી.જે. દેસાઇની ટીમે પાલનપુરથી અમદાવાદ તરફ જતાં હાઇવે પર આવેલ તુલસી ઢાબાના પાછળના ભાગે વિસ્તારમાં શંકાસ્પદ બાયો ડીઝલના ખાનગી બાતમીના આધારે આકસ્મિક રીતે દરોડો પાડતાં શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો ગેરકાયદેસર વગર પાસ પરમીટનો ઝડપાયો હતો.
પાલનપુર – અમદાવાદ હાઇવે નજીકથી 3 મહિના અગાઉ મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે રૂ. 2.51 લાખનો બાયોડિઝલના જથ્થા સહિત બે ટેન્કરો મળી કુલ રૂ. 4.41 લાખનો જથ્થો કબ્જે લીધો હતો. દરમિયાન બાયોડિઝલ ભેળસેળ યુકત હોવાનો એફ. એસ. એલનો રિપોર્ટ આવતાં બે શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તુલસી ઢાબા પાછળ પાલનપુર મામલતદાર નારાયણભાઇ ટોકરભાઇ પરમાર, મુખ્ય પુરવઠા નિરીક્ષક વી. જે. દેસાઇ સહિત ટીમ સાથે તારીખ 7 માર્ચના રોજ પલક એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરી હતી.
જ્યાં લક્ષ્મીપુરાના કલ્પેશભાઇ મગનભાઇ પ્રજાપતિ પાસેથી રૂપિયા 1,97,450નો 4868 લીટર બાયોડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. 30,000નું ટેન્કર, રૂપિયા 10,000ની અન્ય ચિજવસ્તુઓ મળી કુલ રૂપિયા 2,37,450નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ઉપરાંત પાલનપુર શ્રીનગર સોસાયટીના નિેલેષભાઇ મંછાભાઇ ચૌહાણ પાસેથી રૂપિયા 54,000નો બાયોડિઝલનો જથ્થો અને રૂપિયા 1,50,000નું ટેન્કર નં. GJ 01. DU. 8236 મળી કુલ રૂપિયા 2,04,000નો જથ્થો કબ્જે લીધો હતો.
સેમ્પલ એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યા હતા. જે ફેઇલ થતાં બંને સામે પશ્વિમ પોલીસ મથકે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-3 અને 7 હેઠળ પ્રોસીક્યુશનનો ગૂનો નોંધાયો છે.
આ અંગે બાયો ડીઝલનો જથ્થો આગથી સળગી ઉઠે તેવો પદાર્થ ગેરકાયદેસર રીતે રાખી બેદરકારી ભર્યું કૃત્ય કરી કેન્દ્ર સરકારના મોટર સ્પીરટ અને હાઇસ્પીડ ડીઝલ (રેગ્યુલેશન ડીસ્ટ્રીબ્યુશન એન્ડ પ્રિવેન્શન ઓફ માલ પ્રેક્ટીસ) ઓર્ડર-2005ની શરતોનો ભંગ કરી છેતરપીંડી અને ઠગાઇ કરી ગુનો કર્યો છે. જેથી બંને સામે ભારતીય ફોજદારી ધારાની તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારાની જાગવાઇઓ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
From – Banaskantha update