પાલનપુરની એજન્સીમાં ડાઉન પેમેન્ટના રૂપિયા એક લાખ ભર્યા પછી બાકીના રૂપિયા 4.71 લાખનો ચેક બાઉન્સ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે એજન્સીના મેનેજરે મહેસાણાના સતલાસણાના હિંમતપુરા, ઉમરી અને બાલોસણાના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત મુજબ પાલનપુર – ડીસા હાઇવે ઉપર જોડનાપુરા પાટિયા નજીક આવેલી બાલારામ એગ્રી ઇકવીપમેન્ટ ટ્રેકટરની એજન્સી સાથે રૂપિયા 4.71 લાખની છેતરપિંડી થવા પામી હતી.
છુટક કમિશન એજન્ટનું કામ કરતાં મૂળ થરાદના હાલ પાલનપુર રહેતા નરેશભાઇ દલાભાઇ બોચીયા ટ્રેકટર ખરીદવા માટે ગ્રાહક મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના હિંમતપુરાના નવિનભાઇ બેચરભાઇ ચૌધરી, કિરણભાઇ બેચરભાઇ ચૌધરી અને વિપુલસિંહ ધુળસિંહ ચૌહાણને લઇને આવ્યા હતા. જેમણે રૂપિયા 5,71,000ની કિંમતનું ટ્રેકટર બેચરભાઇ કાળાભાઇ ચૌધરીના નામે લોન કરવાની હોઇ બાના પેટે રૂપિયા 1,00,000 રોકડા આપી ટ્રેકટર લઇ ગયા હતા. જોકે, તે પછી બાકીના રૂપિયા 4.71 લાખ વાયદા પ્રમાણે આપ્યા ન હતા.
આ અંગે પોલીસ મથકે અરજી કરતાં બાલોસણા બેદાસમાના મેઠાભાઇ ઉર્ફે મહેશભાઇ વીરાભાઇ ચૌધરી બાકી રકમની જવાબદારી લઇ ત્રણ ચેક આપી ગયા હતા. જોકે, તે બેંકમાં નાખતાં બાઉન્સ થયા હતા. ટ્રેકટરની એજન્સીના મેનેજર પાલનપુર રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ખુશાલભાઇ અમરતભાઇ પટેલે છેતરપીંડી આચરનારા ચારેય શખ્સો સામે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
From – Banaskantha update