ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનના અભાવે કોરોના દર્દીને પાલનપુર ખસેડતાં 108માં જ દમ તોડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભીલડીમાં ઓક્સીજન અને વેન્ટિલેટરના અભાવથી કોરોનાના દર્દીઓને સારવાર ન મળતાં દર્દીઓ દમ તોડી રહ્યા છે.
જ્યાં મંગળવારે વહેલી સવારે ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પમાં 4 કલાક સારવાર ના મળતા આખરે કોરોનાના દર્દી રતનપુરાના પરમાર માનસુગભાઈ રામશીભાઈ (ઉ.વ. 58)એ સારવારના અભાવે દમ તોડ્યો હતો.

માનસુંગભાઇ છુટક મજૂરી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા જેઓનું ઓક્સિજન લેવલ અચાનક ઘટતાં તેમના ત્રણ દિકરા ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ આવ્યા હતા. જ્યાં લાચાર બની પ્રશાસનને સારવાર માટે વિનંતી કરી રહ્યા હતા. ત્યારે ભીલડીના પત્રકારે 108માં ઉપરથી કોલ કરાવીને સારવાર માટે પાલનપુર રવાના કરાયા હતા.
પરંતુ છેલ્લા 4 કલાક સુધી સારવાર ના મળતા અને ભીલડીમાં ઓક્સિજન ના અભાવે લેટ સારવારના કારણે રસ્તામાં માનસુંગભાઇનું મોત નિપજ્યું હતુ.આ અંગે રતનપુરા સરપંચ રામશી ભાઈ પટેલે જણાવ્યું હતું કે, રતન પૂરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલ બનાવેલ છે. પરંતુ દર્દી ઓ માટે સગવડ નથી. કોઈ સાધનો નથી તેથી પૂરતી સારવાર મળતી નથી. મેનેજમેન્ટ અભાવથી લોકો ખાનગી દવખાના તરફ વળી રહ્યા છે
From – Banaskantha Update