છત્તીસગઢમાં વધુ 19 જવાનોના મૃતદેહ મળ્યા : કુલ 24 જવાન શહીદ :

- Advertisement -
Share

છત્તીસગઢનાં બિજાપુરમાં નક્સલી દ્વારા સુરક્ષાદળના જવાનો પર કરાએલા હુમલામાં કુલ ૨૪ જવાનો શહીદ થયા છે. શનિવારે નક્સલીઓ દ્વારા બિજાપુરના તર્રેમ ખાતે જોનાગુડા પર્વતોની વચ્ચે 400થી વધુ નક્સલીઓ દ્વારા ગેરિલા પદ્ધતિથી જવાનોને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. જવાનો ઉપર રોકેટ લોન્ચર, યુજીએનએલ, ઈન્સાસ અને એકે-47 દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

જોનાગુડા વિસ્તારના જાણકારોએ જણાવ્યું કે, આ વિસ્તાર પહેલેથી જ ગેરિલા વોર ઝોન તરીકે ઓળખાય છે. નક્સલીઓએ જ સ્થાનિકોની મદદથી નક્સલીઓ એક જગ્યાએ જમા થયા હોવાના મેસેજ ફરતા કરીને જવાનોને ગેરમાર્ગે દોર્યા અને પછી હુમલો કરી દીધો. આ વિસ્તારની આસપાસ સર્ચ કરતી બટાલિયનોને ત્યાં જવા આદેશ મળતા બધા ત્યાં પહોંચી ગયા અને યૂ શેપમાં ગોઠવાયેલા નક્સલીઓએ ગેરિલા પદ્ધતિ દ્વારા જવાનો ઉપર હુમલો શરૂ કરી દીધો. ગાઢ જંગલ, પર્વતો અને આસપાસના ગામડાંની સરહદો વચ્ચે જવાનો અટવાયા અને મોટી સંખ્યામાં જાનહાનિ થઈ.

ત્રણ કલાક સુધી જવાનો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલ્યું હતું. આ દરમિયાન 5 જવાનો શહીદ થયા હતા અને ઘણાને ઈજા થઈ હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જવાનોની મદદ માટે રેસ્ક્યૂ ટીમ અને ફોર્સ મોકલવામાં આવી હતી. રવિવારે તપાસ કરવા દરમિયાન બીજા 19 જવાનોના મૃતદેહ લોકેટ થયા હતા. આ સાથે જ નક્સલી હુમલામાં શહીદ થયેલા દેશના સપૂતોનો આંક 24 પહોંચી ગયો હતો. આ હુમલામાં કોબરા બટાલિયનના 9, ડીઆરજીના 8, એસટીએફના 6 અને બસ્તરીયા બટાલિયનના 1 જવાનો શહીદ થયા છે. બીજી તરફ 30 જવાનોને ઈજા થઈ છે. સ્થાનિક સૂત્રોના મતે હજી 21 જવાનો લાપતા હોવાના અહેવાલો છે.

2000થી વધુ જવાનો નક્સલીઓને શોધવા અને ઠાર કરવા નીકળ્યા હતા. સ્થાનિક સૂત્રોના મતે નક્સલીઓએ જવાનોના ગાઢ જંગલમાં પ્રવેશના રસ્તે જ ઘાત લગાવી હતી. જવાનો અંદર આવ્યા એટલે ફાયરિંગ શરૂ કરી દેવાયું. જવાનો ગામ તરફ ગયા તો ત્યાં પણ સંતાયેલા નક્સલીઓએ હુમલો કરી દીધો. આધુનિક હથિયારોને કારણે નક્સલીઓએ 100-150 મીટર દૂરથી જવાનોને નિશાન બનાવ્યા હતા. નક્સલીઓ દ્વારા સૌથી વધારે બર્બરતા એ પણ કરવામાં આવી કે, કેટલાક કિસ્સામાં જવાનોનાં કપડાં, હથિયારો, જૂતાં અને પર્સ પણ નક્સલીઓ લઈ ગયા છે.

છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલા બાદ સમગ્ર દેશ શોકમગ્ન થઈ ગયો છે ત્યારે દેશના રાજકારણમાં પણ આ મુદ્દે શોકની લહેર વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં નક્સલીઓ સાથે સંઘર્ષ દરમિયાન શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષા જવાનોના બલિદાનને હું નમન કરું છું. દેશ ક્યારેય તેમની વીરતાને અને તેમના બલિદાનને ભૂલશે નહીં. શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. શાંતિ અને પ્રગતિના દુશ્મનો સામેની આપણો જંગ ચાલુ જ રહેશે. આશા રાખું છું કે, ઈજાગ્રસ્ત જવાનો ઝડપથી સાજા થાય.

સેટેલાઈટ ઈમેજ દ્વારા આ વિસ્તારમાં હિલચાલ જોવા મળી હતી. જોનાગુડાની આસપાસ ર્સિંચગ કરી રહેલી ટુકડીને તાકીદે જોનાગુડાના પર્વતીય વિસ્તાર તરફ આગળ વધવાના આદેશ અપાયા. જવાનો ત્યાં પહોંચ્યા અને તરત જ તેમની ઉપર મોટાપાયે હુમલો કરવામાં આવ્યો હતો. જવાનોએ નક્સલીઓનું ચક્રવ્યૂહ તોડી કાઢયું પણ ત્રણ કલાકના એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોને મોટાપાયે નુકસાન ગયું હતું. સ્થાનિકો મુજબ નક્સલીઓ પણ બે ટ્રેક્ટર ભરીને તેમના સાથીઓના મૃતદેહો લઈ ગયા છે.

બીજી તરફ ગૃહમંત્રીએ રવિવારે પોતાનો આસામ પ્રવાસ રદ કર્યો હતો અને ચૂંટણીસભાને સંબોધવાનું ટાળીને ઘટના અંગે માહિતી મેળવી હતી. તેઓ રવિવારે બપોરે જ દિલ્હી પરત આવી ગયા હતા. તેમણે આ મુદ્દે બપોર બાદ દિલ્હી ખાતે હાઈલેવલ બેઠક બોલાવી હતી. બેઠકમાં નક્સલીઓ ઉપર મોટાપાયે કાર્યવાહી કરવાની સૂચના અપાઇ હતી. શાહે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સાથે ફોન ઉપર ચર્ચા કરીને તમામ સ્તરે મદદ કરવાની ખાતરી આપી હતી.

છેલ્લા 10 દિવસમાં નક્સલીઓ દ્વારા આ બીજો હુમલો કરાયો છે. આ પહેલાં 23 માર્ચે કરવામાં આવેલા હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા અને 14 ઘવાયા હતા. આ હુમલો નારાયણપુરમાં IED બ્લાસ્ટ દ્વારા કરાયો હતો. તર્રેમ થાણાથી જ સીઆરપીએફ, કોબરા અને ડીઆરજી તથા સ્થાનિક પોલીસનો કાફલો સર્ચ ઓપરેશન માટે નીકળ્યો હતો. બપોરે જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલતું હતું ત્યારે જ જંગલમાં છુપાયેલા નક્સલીઓએ હુમલો કર્યો હતો. DRG જવાનોની બસ પર હુમલો કર્યો હતો. ઘટના વખતે બસમાં 24 જવાનો હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!