જેતપુર તાલુકાના દેવકી ગાલોર ગામે એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી જેમાં ખેતરમાં આગ લાગતા પોતાના ઉભા પાકને બચાવવા જતા ખેડૂત પોતે આગની લપેટમાં આવી જતા ખેતરમાં જ ભડથુ થઈ ગયો હતો.
ખેતરમાં ઘઉંના પાકમાં અકસ્માતે લાગેલી આગને ઓલાવવા જતા એક 65 વર્ષના વૃદ્ધ ખેડૂતનું આગને ઝપટે ચડી જતા તેનું આગમાં ભળથું થઈ જવાથી કરુણ મોત થયું હતું.
માહિતી અનુસાર, દેવકી ગાલોર ગામે રહેતા ધીરુભાઈ મોહનભાઇ સતાસીયા ઉ.વ 65 નામના વૃદ્ધ ખેડૂતનું તેમના ખેતરના ઘઉંના પાકમાં લાગેલ આગથી મોત નીપજ્યું હતું. આ અંગે ગામના ઉપસરપંચ બ્રિજેશભાઈના જણાવ્યા મુજબ ધીરુબાપાને સંતાનમાં બે પુત્ર છે. બંને અમદાવાદ રહે છે. જ્યારે ધીરુબાપા અહીં રહી ખેતીકામ કરે છે.
આજે સવારે ગામના કેટલાક મજૂરોએ ઉપસરપંચ બ્રિજેશભાઈને આવીને જણાવેલ કે, ધીરુબાપાના ખેતરમાં આગ લાગી છે. જેથી તેઓ કેટલાક ગામ લોકો સાથે ખેતરે જઈને જોતા વાઢેલ ઘઉંના પોરામાંથી બે ત્રણ ઘઉંના પોરા આગ લાગેલ હાલતમાં સળગતા હતા અને બાકીનો સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો.
આ સળગી ગયેલ પાકની વચ્ચે ધીરુબાપાની ભળથું થઈ ગયેલ હાલતમાં લાશ પડી હતી. જેથી તરત જ પોલીસને જાણ કરીને લાશને પી.એમ માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવી હતી.

ગ્રામજનોના નિવેદનના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લીધો છે. હવે પોલીસ એ તપાસમાં લાગી છે કે, ધીરુબાપા ક્યારે કેતરમાં ગયા, અને ખેતરમાં આગ કેવી રીતે લાગી. હાલમાં મૃતકના પરિવારને આ મામલે જાણ કરી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે.
From – Banaskantha Update