બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થઇ જતાં ખેડૂતો ચિંતીત બન્યા છે. જો કમોસમી માવઠું થાય તો બટાકા અને જીરાના પાકને નુકસાન થવાની શક્યતા છે.
બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું રહ્યું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ફરી એકવાર ચિંતીત બન્યા છે. ખાસ કરીને ડીસા પંથકમાં આ વખતે બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે હવે બીજી તરફ વાદળછાયુ વાતાવરણ થતા ખેડુતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.
ખેતરોમાં હજુ પણ પડ્યા છે ત્યારે કમોસમી માવઠું થાય તો ખેતરોમાં પડેલા બટાકાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ આ વર્ષે જીરાનું પણ મબલક ઉત્પાદન થયું છે અને માર્કેટયાર્ડમાં જીરાની આવક વધી રહી છે.
તેવામાં કમોસમી માવઠું થાય તો બટાટા અને જીરાનું વાવેતર કરતા ખેડૂતો અને કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. એક તરફ બટાકાના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને બીજી તરફ કુદરત પણ ખેડૂતોથી રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં કમોસમી માવઠું ન થાય અને ખેડૂતો પર કુદરતની મહેરબાની બની રહે તે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
From – Banaskantha Update