પાલનપુરમાં ઉબડ ખાબડ રસ્તાને કારણે સમય પર દવાખાને ન પહોંચતાં એક મહિલાએ જીવ ગુમાવ્યો

- Advertisement -
Share

પાલનપુરના ચૂલીપાણી ગામે શુક્રવારે એક 45 વર્ષિય પરિણીતાને એકાએક શ્વાસની બિમારી વધી ગઇ હતી. જોકે, હોસ્પિટલમાં લઇ જવા માટે 4 કિલોમીટરનો માર્ગ ઉબડ ખાબડ હોવાથી પાલખીમાં લઇ જવાતી હતી ત્યારે સમયસર સારવાર ન મળતાં તેણીનું મોત નિપજ્યું હતુ.

પાલનપુર તાલુકાના ચુલીપાણી ગામે શુક્રવારે આદિવાસી મહિલા કેળીબેન ભીમાભાઈ બુબડીયાને શ્વાસ (દમ)ઉપડ્યો હતો. જોકે, ગામથી ડેમ સુધી વાહન જઇ શકે તેવો રસ્તો ન હોવાથી પરિવારજનો તેણીને પાલખીમાં ઉપાડીને હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા. જે દરમિયાન તાત્કાલિક સારવાર ન મળતાં તેણીનું મોત નિપજ્યું હતુ.

 

 

આ અંગે તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેનના પતિ ભેરાભાઈ ડામોરે આક્ષેપો કરતાં જણાવ્યું કે, ચુલીપાણી ગામથી ડેમ સુધી જવા માટે 4 કિલોમીટરનો ઉબડ ખાબડ રસ્તો હોઇ ચાલીને જવું પડે છે. ત્યાંથી આગળ પાકા રોડ ઉપર જવા માટે ડેમથી છાપરા ગામ સુધી જવાનો રસ્તો પણ કાચુ નેળીયું છે.

આ રસ્તો બનાવવા માટે અગાઉ પણ વહિવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરાઇ છે. પરંતુ વન વિભાગ મંજુરી આપતું ન હોઇ પ્રજાજનોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો વન વિભાગ દ્વારા રસ્તાની મંજુરી સત્વરે નહી આપે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે.

 

Advt

 

છાપરા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ પતિ પ્રેમાનંદકુમાર સોલંકીએ જણાવ્યું કે પાલનપુરના ચૂલીપાણી ગામમાં અંદાજીત 500 ઉપરાંતની વસ્તી છે. 350નું મતદાન થાય છે. જોકે, ગામમાં સુવિધાના નામે મીડું છે. હોસ્પિટલ જવા માટે 15 કિલોમીટર દૂર માલણ ગામે જવું પડે છે.

ગામથી ડેમ સુધી રસ્તો જાય છે પરંતુ 3 કિલોમીટરનો રસ્તો વન વિભાગની હદમાં આવે છે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે. પરંતુ હજુ સુધી કોઇ કામગીરી કરવામાં આવતી નથી.

પાલનપુર વન વિભાગના આર.એફ.ઓ. હસમુખ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ચૂલીપાણી ગામ સેન્ચ્યુરીની હદમાં આવે છે.માટે રસ્તો આપવો મુશ્કેલ છે.પરંતુ ગ્રામ પંચાયત કે પી.ડબલ્યું ડી. વિભાગ દ્વારા લેખિત જાણ કરે તો રસ્તો નિકાળવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી શકાય તેમ છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!