નગરપાલિકાઓની ચૂંટણી યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું

- Advertisement -
Share

પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

 

નગરપાલિકાઓની ચૂંટણી યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા થરા અને ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણી, માંડલા કાંકરેજ તાલુકા પંચાયત અને મોટીમહુડી દાંતીવાડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી તા.28-2-2021ના રોજ યોજવાની છે. જેમાં ઉમેદવારીપત્રો ભરવાની આજથી શરૂઆત થઇ છે ત્યારે આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ અંગે મિડીયાને માહિતી આપવા પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

 

 

આ પ્રેસ કોન્ફરન્સમાં બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીઓમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે, કોરોનાની પરિસ્થિતિમાં કોવિડ-19ની ગાઇડલાઇન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાશે. તેમણે કહ્યું કે, રાજય ચૂંટણી પંચ દ્વારા તા.23/01/2021ના રોજ નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આજે તા. 8ના રોજ વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ છે.

 

 

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.13/02/2021 છે. તા.15/02/2021ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા.16/02/2021 છે અને તા.28/02/2021ના રોજ સવારે-7 થી સાંજે-6 વાગ્યા સુધી મતદાન યોજાશે. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં કોવિડ પોઝીટીવ વ્યક્તિ ઉમેદવારી કરવા માંગતા હોય તેમના વતી તેમના ટેકેદાર કે દરખાસ્ત કરનાર વ્યક્તિ પણ ઉમેદવારી પત્ર ભરી શકે છે. જો કોવિડ પોઝીટીવ ઉમેદવાર જાતે જ ફોર્મ ભરવા માંગતા હોય તો અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરી પી.પી.ઇ. કીટ પહેરીને ઉમેદવારી પત્ર ભરી શકે છે.

 

 

તેમણે કહ્યું કે, ઉમેદવારની જેમ પોઝીટીવ મતદારે પણ મતદાન કરવા માટે અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે. કોરોના પોઝીટીવ વ્યક્તિ પી.પી.ઇ. કીટ પહેરીને મતદાનના છેલ્લા એક કલાક દરમ્યાન મતદાન કરી શકશે. જેનાથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સ્ટાફ અને સામાન્ય મતદારોની પણ સુરક્ષા સુનિશ્વિત કરી શકાય. કલેકટરએ કહ્યું કે, ઉમેદવારો પાંચથી વધુ સંખ્યામાં ટુકડી બનાવી ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે નહીં અને મતદારો પણ મતદાન કરવા આવે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને આવે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે રીતે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

 

 

તેમણે કહ્યું કે, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે માટે નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. સભા, સરઘસ કે રેલીમાં કોવિડ-19ની એસ.ઓ.પી. નું ફરજીયાત પાલન કરવાનું રહેશે. રોડ શોમાં પાંચથી વધારે વાહનો રાખી શકાશે નહીં તેમ તેમણે જણાવ્યું હતું.

કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, ઉમેદવારે ફોર્મની સાથે જન્મ તારીખ અને જાતિનો દાખલો, સ્થાનિક સ્વરાજયનું દેવું બાકી નથી, શૌચાલય, બે બાળકો અંગેના જરૂરી સોગંદનામા સહિત ડિપોઝીટ પેટે રૂ.2000/- જમા કરાવવાના રહેશે. સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુ. જનજાતિ, સા.શૈ.પ. વર્ગ વગેરે અનામત વર્ગના ઉમેદવારોએ રૂ.1000/- ડિપોઝીટ પેટે ફોર્મની સાથે જમા કરાવવાના રહેશે. તેમણે મતદાન મથકોની માહિતી આપતાં જણાવ્યું કે, પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં 1 થી 11 વોર્ડ અને 128 મતદાન મથકો છે.

 

 

ડીસા નગરપાલિકામાં 1 થી 11 વોર્ડ અને 88 મતદાન મથકો છે. ભાભર નગરપાલિકામાં 1 થી 6 વોર્ડ અને 20 મતદાન મથકો છે. થરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નં. 1 (બીજી અને ત્રીજી)માં 3 મતદાન મથકો, ધાનેરા નગરપાલિકા પેટા ચૂંટણી વોર્ડ નં. ૩ (ત્રીજી)માં 5 મતદાન મથકો, 14- માંડલા તાલુકા પંચાયત કાંકરેજમાં 7 મતદાન મથકો અને 9- મોટીમહુડી તાલુકા પંચાયત દાંતીવાડામાં 7 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

 

Advt

 

કલેકટરએ કહ્યું કે, પાલનપુર અને ડીસા નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી લડતા ઉમેદવારો રૂ. 2,25,000/- સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે ભાભર, ધાનેરા અને થરા નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી લડતા ઉમેદવારો રૂ. 1,50,000/-નો ખર્ચ કરી શકશે. તેવી જ રીતે તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો રૂ.2,00,00/- સુધીનો ખર્ચ કરી શકશે અને તેનો રોજે રોજ હિસાબ ચૂંટણી અધિકારીને આપવાનો રહેશે.

 

 

તેમણે કહ્યું કે, આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં નગરપાલિકા વિસ્તારમાં કુલ-2,30,652 મતદારો અને તાલુકા પંચાયત વિસ્તારમાં કુલ-2,42,015 મતદારો નોંધાયેલા છે. જેના માટે કુલ-258 જેટલાં મતદાન મથકો ઉપર પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસર, પોલીસ અને સુરક્ષા જવાનો, પીયુન સહિત કુલ-1933 જેટલો સ્ટાફ ચૂંટણીની ફરજ બજાવશે. કલેક્ટરએ મતદારોને અપીલ કરતાં કહ્યું કે, આ ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના પર્વની સારી રીતે ઉજવણી કરીએ.

પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, નાયબ માહિતી નિયામક ડી. પી. રાજપૂત, ચૂંટણી નાયબ મામલતદાર વસંતભાઇ ગૌસ્વામી સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના પત્રકારઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!