સમગ્ર બનાસકાંઠાને હચમચાવી દેનાર મામલામાં છેવટે પોલીસની ફટકાર બાદ આરોપીએ પોતાનો ગુન્હો કબુલ કર્યો

- Advertisement -
Share

જેના લાંબા આયુષ્ય માટે કરવાચોથનું વ્રત કરતી તેણે જ જીવનદોરી કાપી નાખી : કરોડનો વીમો અને પ્રેમિકાને પામવા માટે મિત્રના હાથે કરાવી પત્નીની હત્યા

 

જિલ્લાના ડીસા ખાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિએ વીમાના પૈસા મેળવવા તેમજ તેની પ્રેમિકાને પામવા માટે પોતાની પત્નીની હત્યા કરાવી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો. શરૂઆતમાં આ કેસ અકસ્માતે મોતનો બનાવ લાગ્યો હતો પરંતુ આખરે પોલીસે મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો કરીને હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે.

 

 

અહીં રસપ્રદ વાત તો એ છે કે પત્નીની હત્યા બાદ પતિએ ચક્ષુદાન કર્યું હતું અને અલગ અલગ જગ્યાએ દાન આપીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આ કેસમાં ઉંડી તપાસ ન કરી હોત તો કદાચ આ બનાવ અકસ્માતમાં જ ખપી જાત. પરંતુ પાપ છાપરે ચઢીને પોકારે છે ત્યારે આ બનાવમાં પણ પતિનો ભાંડો ફૂટી ગયો હતો. પતિએ પત્નીની હત્યા માટે શું પ્લાન ઘડ્યો હતો?

 

 

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો તારીખ 26 ડિસેમ્બર, 2020ના રોજ વહેલી સવારે ડીસાના જાણીતા C.A લલિત માળી અને તેમના પત્ની દક્ષાબેન પગપાળા ગેળા હનુમાનજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. કાપરા ગામ પાસે CA લલિત પત્નીથી થોડા દૂર ચાલી રહ્યા હતા તે સમયે અજાણી કારે ટક્કર મારતા દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ મામલે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં મૃતકના પતિ CA લલિતે ચક્ષુદાન પણ કર્યું હતું. એટલું જ નહીં, સમાજના વિકાસ માટે અલગ અલગ જગ્યાએ દાન કરી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

 

 

પરંતુ પોલીસને સમગ્ર ઘટના બાબતે શંકા ઉઠતા ઊંડી તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં મૃતક દક્ષાબેનના નામે આઠ મહિના અગાઉ પતિએ 1.20 કરોડ રૂપિયાનો વીમો લીધો હોવાનું તેમજ 17 લાખ રૂપિયાની કિંમતની ક્રેટા ગાડી મૃતકના નામે લાવીને પતિએ મિત્રને આપી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે CA લલિત માળીની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ પત્નીને હત્યા કરવાનું કાવતરું ઘડ્યાની કબૂલાત કરી હતી.

 

 

લલિતના બંધુએ જ કારથી ટક્કર મારી પ્લાન પ્રમાણે લલિતે તેના મિત્રને રૂપિયા 2 લાખ આપી સ્વીફ્ટ ગાડીથી ટક્કર મારવાનું કહ્યું હતું. પ્લાન મુજબ CA લલિત માળી ડીસાથી ગેળા હનુમાનજી મંદિર ચાલતો જતો હતો. તે દરમિયાન કાપરા ગામ પાસે પત્નીથી થોડા દૂર ચાલી રહ્યો હતો. આ સમયે તેનો મિત્ર દક્ષાબેનને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. બાદમાં CA લલિત માળીએ ડીસા 108માં ફોન કરીને મદદ માંગી હતી. આ દરમિયાન પતિએ જે મિત્રને સોપારી આપી હતી તે મદદે દોડી આવ્યો હતો.

 

 

કેસમાં પોલીસે હાલ આરોપી CA લલિત માળીની અટકાયત કરી આ કેસમાં સ્વીફ્ટ ગાડીના ડ્રાઇવરની ધરપકડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કોલ ડિટેઇલના આધારે હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ તપાસમાં અકસ્માત પહેલા તેના મિત્ર સાથે થયેલી વારંવાર વાતચીતના આધારે પોલીસે કડી મળી હતી જે બાદમાં કડક પૂછપરછ કરતા પતિએ પોતાના ગુન્હાની કબુલાત કરી હતી.

 

 

મળતી માહિતી અનુસાર CA લલિત માળીને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ છે પ્રેમિકાને પામવા માટે તેને તેની પત્ની નડતરરૂપ થતી હતી આ ઉપરાંત પત્નીના નામે જે વીમો લીધો હતો તે પણ પાકી જાય અને માલામાલ થઈ જવાય તેવું કારણ પણ હોઈ શકે છે. એટલે કે C.A લલિતે એક તીરથી બે નિશાન સાથવાનો પ્લાન ઘડ્યો હોઈ શકે છે.

 

 

બીજી તરફ મૃતક દક્ષાના પરિવારના લોકો એવી માંગણી કરી રહ્યા છે કે જો પ્રેમિકાને પામવા માટે લલિતે દક્ષાની હત્યા કર્યાનું ખુલે તો પ્રેમિકાની પણ ધરપકડ થવી જોઈએ લલિત અને દક્ષાને લગ્ન જીવનથી એક પાંચ વર્ષની દીકરી અને 13 માસનો દીકરો છે. ઉલ્લેખનીય છે કે લલિતના પિતા સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે પુત્રના આવા કૃત્યથી પિતાને ખૂબ ઊંડો આઘાત લાગ્યો છે ઉપરાંત દક્ષાના બંને સંતાનો પણ નાની ઉંમરમાં માતા વિહોણા બની ગયા છે.

 

 

ડીસામાં માળી સમાજ એક મોભાદાર સમાજ છે આ સમાજમાં 6 મહિના પહેલા એક યુવકે સગી ફઈની દીકરીની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી હવે CA દ્વારા પોતાની પત્નીને અકસ્માતમાં મારી નાખવાની ઘટના બનતા સમાજમાં આવા લોકો પ્રત્યે ફિટકાર વરસી છે. આ બંને ઘટના સાથે સમગ્ર જિલ્લાનો સમાજ શરમજનક સ્થિતિમાં મૂકાયો.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!