લાખણી તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈ એકલા જવા પર રોક લગાવવાનું વિચાર્યું છે. પ્રાથમિક બેઠકમાં નક્કી થયા મુજબ સગાઈ કરવા માત્ર પુરુષોએ જ જવું મહિલાઓને નહિ તેમજ મેળાઓમાં દીકરીઓ મહિલાઓને જવા પર પ્રતિબંધ ફરમાવવાનો વિચાર કરાયો છે. જે અંગે 21મીએ ચિત્રોડામાં મળનારી બેઠકમાં નિણર્યો કરવામાં આવશે.
રવિવારે લાખણીના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા લાખણી ખાતે ચિત્રોડા ગુરુ મંદિરમાં સમાજના વડીલો, યુવાનો,અને બુદ્ધિજીવીઓની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તમામ પ્રકારના પ્રસંગોમાં કેફી પદાર્થોની બંધ કરવા તેમજ સમાજમાં થતા ખોટા ખર્ચા બંધ કરવા વિચારણા થઈ હતી. મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓમાં મહિલાઓને એકલા જવા પર પ્રતિબંધ લાદવામાં આવે તેવો વિચાર કરાયો હતો.
સમાજ શિક્ષણ તરફ વળે અને ખોટા ખર્ચમાંથી બચે તેવા પ્રયત્ન
લાખણી ઠાકોર સમાજના આગેવાન સવજીજી ઠાકોરે જણાવ્યુ હતું કે, સમાજમાં ઘણા કુરિવાજો હતા અને ખોટા ખર્ચમાં સમાજ વધતા હતા એટલે સામાજિક આગેવાનો સાથે મળી ને આ નિર્ણય લીધો છે સમાજ શિક્ષણ તરફ વળે અને ખોટા ખર્ચમાંથી બચી શકે તેવા પ્રયત્ન કરીશું.
વર્તમાન સમય અનુરૂપ નિર્ણયો લેવાશે
આગથળા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય શોભાબેન ઠાકોરે જણાવ્યુ હતું કે, સમાજના વડીલો દ્વારા જે કોઈ નિર્ણયો લેવાનાર છે તે યોગ્ય છે. ખાસ કરીને સમાજની મહિલાઓના સુરક્ષા માટેના નિર્ણયો છે તે અત્યારે વર્તમાન સમયને અનુરૂપ યોગ્ય છે. મારુ સંપૂર્ણ સમર્થન છે.
21મીની બેઠકમાં આ નિર્ણયો લેવાશે
- ઓઢામણા અને બાળકોની ઢુંઢ વખતે બીમારના ખબર અંતર દરમિયાન કસુંબા પ્રથા બંધ કરવી
- લગ્ન પ્રસંગોમાં D.J પર પ્રતિબંધ
- સગાઈ કરવા માત્ર પુરુષોએ જ જવું મહિલાઓને નહિ
- મેળામાં ચાલતા કે વાહનમાં દીકરીઓ મહિલાઓને જવા પર પ્રતિબંધ