મહીલા મામલતદારને લાંચ લેવાની ઇચ્છા પડી ભારી : વોઇસ રેકોર્ડીંગના આધારે કોર્ટે 4 વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો

- Advertisement -
Share

 

ખેડા જીલ્લામાં વર્ષ-2013 માં રૂ. 15,000 ની લાંચની માંગણી મામલે ઝડપાયેલા મહેમદાવાદના તત્કાલીન મહીલા મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને કોર્ટે 4 વર્ષ કેદની સજા ફટકારતાં લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે એ.સી.બી. એ લાંચના છટકા માટે કરેલા વોઇસ રેકોર્ડીંગને કોર્ટે માન્ય રાખી સજા ફટકારી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ખેડા જીલ્લાના મહેમદાવાદમાં મામલતદાર કચેરીમાં વર્ષ-2013 માં ફરજ બજાવતા મહીલા મામલતદારે નવી શરત જમીનમાંથી જૂની શરતના હુકમની પડેલી કાચી એન્ટ્રી મંજૂર કરવા બદલ રૂ. 15,000 ની લાંચની માંગણી કરી હતી.

 

 

તત્કાલીન મહીલા મામલતદાર તેમના મળતીયા સાથે મળી ફરિયાદી સાથે ટેલિફોનિક વાત કરતાં રેકોર્ડીંગમાં ઝડપાઇ ગયા હતા. આ બનાવમાં સોમવારે નડીયાદ કોર્ટે મામલતદાર અને તેમના મળતીયા કોમ્પ્યુટર ઓપરેટરને કસૂરવાર ઠેરવી 4 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

 

 

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં કાનનબેન ઉષાકાન્ત શાહ વર્ષ-2013 માં ખેડા જીલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા.

 

 

ફરજ દરમિયાન તેમણે પોતાના તરફથી રૂપિયા લેવા માટે મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવતા સમીરખાન જફરૂલ્લાખાન પઠાણ (રહે. ભોજા તલાવડી સામે, નડીયાદ) ને રાખ્યો હતો.

 

મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામા નજી૨મીયા નવાઝમીયા મલેકે ગત તા. 7 મી મે 2013 ના રોજ ગામ કેસરા, તા.મહેમદાવાદમાં આવેલ બ્લોક સર્વે. નં. 918 ની જમીન વેચાણ દસ્તાવેજ આધારે ખરીદી કરી હતી અને એલ.આર.સી. કરી દસ્તાવેજ કર્યો હતો. જે તે વખતે વેચાણની કાચી નોંધ પણ પડી ગઇ હતી.

 

એક માસ બાદ એન્ટ્રી પાકી થઇ કે નહી તે જોવા નજીરમીયા મલેક ગયા તે વખતે જૂની નવી શરતના હુકમની કાચી નોંધ બોલતી હતી. આ નોંધ પ્રમાણિક ન થાય તો વેચાણની નોંધો નામંજૂર થાય તેમ હતું.

 

જે જમીન અગાઉ નવી શરતની હતી. પરંતુ આ જમીન વેચનાર આ જમીન જૂની શરતમાં તબદીલ કરેલ હતી. જે હુકમ જે તે વખતના ઇન્ચાર્જ મામલતદા૨ મહેમદાવાદનો કર્યો હતો.

 

જેની કાચી નોંધ હક્ક પત્રક નં. 6 માં થઇ હતી. પરંતુ જ્યાં સુધી આની પ્રમાણિત નોંધ (પાકી નોંધ) ન થાય ત્યાં સુધી નઝીરમીયાએ પોતે ખરીદેલ જમીન બ્લોક સર્વે નં. 918 ની કાચી પડેલ નોંધ પ્રમાણિક થાય નહીં.

 

જેથી 7/12 ની નકલમાં પોતાનું નામ દાખલ થાય નહીં. આથી જૂની શરતના હુકમની નોંધ પ્રમાણિત કરાવવા તેઓએ આ સમયના મહેમદાવાદના મામલતદાર કાનનબેન શાહનો સંપર્ક કર્યો હતો. જે નોંધ પ્રમાણિત કરાવવા કાનનબેન શાહે રૂ. 15,000 ની લાંચની માંગણી કરી હતી.

 

આ બાબતે ફરિયાદી નઝીરમીયાએ નડીયાદ એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે 2 સરકારી પંચો મેળવી વોઇસ રેકોર્ડરનો ઉપયોગ કરી લાંચના છટકાનું આયોજન કરાયું હતું.

 

જે છટકામાં આરોપી કાનનબેન શાહ અને આરોપી સમીર પઠાણે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી સાથે લાંચની માંગણી અંગેની હેતુલક્ષી વાતચીત કરી આરોપી કાનનબેન શાહ અને આરોપી સમીરખાન જફરૂલ્લાખાન પઠાણ-

 

કોમ્પ્યુટર ઓપરેટર (ખાનગી વ્યક્તિ) એ રૂ. 15,000 ની લાંચની માંગણી કરી જે વોઇસ રેકોર્ડીંગમાં રેકોર્ડ થઇ ગયું હતું. જો કે, આરોપીઓને શંકા જતાં ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી ન હતી.

 

જો કે, આરોપીઓએ ગુનાહીત ગેરવર્તણૂકનો ગુનો કરેલ હોઇ અને ફરિયાદી પાસે લાંચની માંગણી કરેલ હોઇ લાંચ રુશ્વત અટકાવવા બાબતના અધિનિયમ-1988 ની કલમ-7,12, 13(1) (ઘ) અને કલમ-15 મુજબનો ગુનો બંને એ.સી.બી. કચેરી નડીયાદ નોંધ્યો હતો.

 

આ કેસ નડીયાદના સ્પેશ્યલ જજ પી.એસ.દવેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુરે ફરિયાદ પક્ષે કુલ 5 સાહેદોની જુબાની અને 33 જેટલાં દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કર્યાં હતા.

 

જે ચકાસી ન્યાધીશે આરોપી કાનન ઉષાકાન્ત શાહને લાંચ રીશ્વેત પ્રતિબંધક ધારાની કલમ અંતર્ગત 4 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

 

જ્યારે સહ આરોપી સમી૨ખાન જફરૂલ્લાખાન પઠાણ-કોમ્પ્યુટર ઓપરેટર (ખાનગી વ્યક્તિ) મામલતદાર કચેરી-મહેમદાવાદમાં ખાનગી વ્યક્તિને લાંચ રુશ્વત પ્રતિબંધક ધારાની કલમ-12 ના ગુનામાં 4 વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!