પોલીસે રૂ.3,45,030 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી
દાંતા તાલુકામાં વારંવાર એલ.સી.બી. પોલીસ દ્વારા દારૂ ઝડપવામાં આવી રહ્યો છે. જેને લઇને દાંતા તાલુકામાં આવેલા પોલીસ સ્ટેશન ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે સાથે સાથે દાંતા તાલુકાના પોલીસની કામગીરી પર શંકાના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફ સોમવારે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક સફેદ કલરની મારૂતિ સ્વીફટ કાર જેમાં વિદેશી દારૂ ભરી
માંકડી તરફથી આવવાની છે તેની માહિતી મળતાં જે બાતમીની હકીકત આધારે કારની નાકાબંધી કરતાં કાર ચાલકે પૂરઝડપે કાર હંકારીને નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે પોલીસે તેનો પીછો કરતાં કાર ચાલક સ્ટેયરીંગ પરથી પોતાનો કાબૂ ગુમાવતાં કાર 1 કિ.મી. દૂર વકેરી ગામમાં વળાંક દરમિયાન રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. ત્યારબાદ પોલીસે કારને કોર્ડન કરી અને કારમાંથી 2 શખ્સોને ઝડપી પાડયા હતા.
કારમાં 2 શખ્સો જેમાં કારનો ચાલક અકીલસિંહ ઉર્ફે વકીલસિંહ જેતુસિંહ વાઘેલા અને દશરથસિંહ બાબુસિંહ ચૌહાણને ઝડપી પાડી કબ્જાની મારૂતિ સ્વીફટ કારમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો વિદેશી
દારૂ બોટલ/બિયર નંગ-524 કિં. રૂ. 89,530, કાર કિં.રૂ.2,50,000 અને મોબાઇલ નંગ-02 કિં.રૂ.5,500 સાથે કુલ કિં.રૂ.3,45,030 ના મુદ્દામાલની હેરાફેરી કરી રહેલા શખ્સોને ઝડપી પાડયા હતા. આ અંગે દાંતા પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update