બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાંકરેજની જામપુર નદીમાં ચાલતાં ગેરકાયદે ખનન પર શુક્રવારે દરોડો પાડી રૂ. 1.60 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. વિભાગે 2 હીટાચી મશીન અને 5 ડમ્પરો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભૂસ્તર શાસ્ત્રીની કચેરી-બનાસકાંઠા દ્વારા જીલ્લામાં અવાર-નવાર ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જ્યારે બનાસકાંઠા જીલ્લાના ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીને સાદી રેતી ખનીજની ચોરી બાબતે મળેલ બાતમીના આધારે ભૂસ્તર
શાસ્ત્રીની કચેરીની ટીમ દ્વારા ખાનગી વાહનમાં બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના મોટા જામપુરમાં શુક્રવારે જઇ બનાસ નદી પટ્ટમાં 3 કિલોમીટર દોડીને બિનઅધિકૃત રીતે ખાણકામ કરતાં 2 હીટાચી મશીન અને 5 ડમ્પરો જેના નં.
(1) GJ-08-AU-5817 (2) GJ-08-Z-9133 (3) GJ-08-Y-6736 (4) GJ-17-UU-9944 (5) GJ-24-V-9439 ઝડપી પાડયા હતા.
કુલ 5 ડમ્પરો અને ૨ હીટાચી મશીન ઝડપીને કુલ રૂ. 1.60 કરોડનો મુદ્દામાલ ડીટેઇન કરેલ તે પૈકી 2 હીટાચી મશીન મોટા જામપુર ગ્રામ પંચાયતને સોંપેલ અને 5 ડમ્પરો જે થરા પોલીસ સ્ટેશન રાખવામાં આવેલ છે. જેની રૂ. 15 લાખથી વધુ રકમની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
From-Banaskantha update