પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતે આવેલા માં અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન રજત જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આ યજ્ઞમાં 600 ભૂદેવ ઉપસ્થિત રહેશે અને 1500 યજમાન મહાયજ્ઞ શાળામાં આહુતિ આપશે. જ્યારે એકસાથે 10 લાખ ચૌધરી સમાજના લોકો ભેગા થશે.
માતાજીનો આ પ્રસંગ દીપી ઊઠે એ માટે છેલ્લા 45 દિવસની સમાજના લોકોએ સતત મહેનત કરી 100 એકર જમીનમાં 7 માળની યજ્ઞ શાળા બનાવી છે. આ યજ્ઞશાળામાં દેશી ગાયનાં છાણ અને ગંગાજળ તેમજ માટીથી લીંપણ કરાયું છે. આ લીંપણ કરવા જિલ્લામાંથી 5 હજારથી વધુ બહેનોનો ફાળો છે. યજ્ઞમાં આવનારા લોકોને વાહન પાર્ક કરવા દાતાઓએ 450 એકરથી વધુ જમીન પણ આપી છે, જેમાં કોઈને વાહન લેવા કે મૂકવામાં તકલીફ ન પડે એવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે. અશક્ત અથવા ઉંમરલાયક વ્યક્તિઓને રિક્ષામા યજ્ઞ સ્થળના દરવાજા સુધી લાવવાની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે બનાસ મેડિકલ કોલેજ તરફથી આઈસીયુ સાથેની હોસ્પિટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પાલનપુર અર્બુદા ધામ ખાતે 51 હજાર લોકો માની આરતી કરશે તેમજ સાંજના સમયે જિલ્લાનાં તમામ ગામોના ચૌધરી સમાજની બહેનો દ્વારા ગામેગામ મહાઆરતી કરવામાં આવશે, સાથે સાથે જિલ્લામાં તમામ ગામોમાં સફાઈ અભિયાન કરવામાં આવશે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આ યજ્ઞનાં દર્શન માટે આવશે. જિલ્લામાં તમામ સમાજના લોકોને દર્શન કરવા માટે આણંત્રણ આપવમાં આવ્યું છે અને 10 લાખથી વધુ લોકોના ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચૌધરી સમાજની એક હજાર બહેનો પહેલી જાન્યુઆરીથી 5 લાખ લાડુ બનાવવાના કામમાં જોડાઇ હતી. આ સાથે જિલ્લાની બહેનો એકસાથે મહેંદી મૂકી હતી. આ ઉપરાંત ત્રણ દિવસના ભોજન સમારંભમાં ચૌધરી સમાજના યુવકો અને મહિલાઓ દ્વારા ભોજન પ્રસાદ લેવા આવનારા તમામ લોકોને ભોજન પીરસશે. 30 વીઘા જમીનમાં રસોડાની વ્યવસ્થા કરાવામાં આવી છે. આ આયોજનના ત્રણ દિવસ-રાત્રે લોકગીત અને ડાયરાનું આયોજન કરાયું છે.
From – Banaskantha Update