હાઇવે પર અને શહેરના ભરચક વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે
ડીસા હાઇવે પર ગાયત્રી મંદિર સર્કલ નજીક ઉભા થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા અનેક વખતની રજૂઆતો બાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરાઇ હતી. જોકે, તેમાં માત્ર લારી-ગલ્લાઓને ટાર્ગેટ કરતાં અને પાકા દબાણદારોને છાવરતાં હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે.
ડીસા શહેરમાં અને હાઇવે પર છેલ્લા કેટલાંય સમયથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે અને જ્યાં નજર કરો ત્યાં સ્થાનિક નગરપાલિકાના સત્તાધીશોના આશિર્વાદથી દબાણકારો કોઇપણ જાતનો ડર રાખ્યા વગર ગેરકાયદેસર રીતે દબાણો કરી બેસી ગયા છે.
જેને લઇને હાઇવે પર અને શહેરના ભરચક વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે. ત્યારે ડીસા ગાયત્રી મંદીર સામે ગ્રીન હાઉસ શોપિંગ સેન્ટરના તબીબો સહીત વેપારીઓ દ્વારા શોપિંગ નીચે થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે અનેક વખત વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરાઇ હતી.
ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા છે અને ડીસા ગાયત્રી મંદિર સર્કલથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે. પરંતુ તેમાં પણ માત્ર લારી-ગલ્લાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના સર્વિસ રોડ પર છેલ્લા કેટલાંય સમયથી મોટા માથાના દબાણો આજે પણ યથાવત છે અને રોડ પર લારી-ગલ્લા ઉભા રાખીને રોજીરોટી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં લારી-ગલ્લા ધારકોને દૂર કરતાં નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે લોકોમાં ભારે રોષ
ભભૂકી ઉઠયો છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની દબાણ હટાવવાની કામગીરીમાં અમીરી-ગરીબીનો ભેદભાવ રાખ્યા વગર નિયમો અનુસાર તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
From-Banaskantha update