યાવરપુરાના ખેડૂતે કોલ્ડ સ્ટોરેજના માલિક અને મેનેજર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
ડીસા તાલુકાના દામા (ઠાકોરવાસ) ગામમાં આવેલ અગ્રવાલ એગ્રી લોજીસ્ટીક નામના કોલ્ડ સ્ટોરેજના માલિક અને મેનેજર દ્વારા 3 ખેડૂતોના રૂ. 15.45 લાખના બટાકાના 1944 કટ્ટા ખેડૂતોને જાણ કર્યાં વગર જ બારોબાર વેચી મારતાં ચકચાર મચી ગઇ છે.
જેથી વિશ્વાસઘાત કરતાં છેતરપિંડીનો ભોગ બનનાર ખેડૂતોએ ડીસા તાલુકા પોલીસ મથકે કોલ્ડ સ્ટોરેજના માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાના યાવરપુરા ગામના ખેડૂત દિનાજી હીરાજી જાટે પોતાના ખેતરમાં વાવેતર થયેલ બટાકા ડીસા-થરાદ હાઇવે ઉપર દામા (ઠાકોરવાસ) નજીકના ‘અગ્રવાલ એગ્રી લોજીસ્ટીક’
નામના કોલ્ડ સ્ટોરેજમાં તા. 12 માર્ચ-2022 ના રોજ પાવતી નં. 401 થી બટાકાના 150 કટ્ટા, પાવતી નં. 403 થી બટાકાના 151 કટ્ટા અને તા. 13 માર્ચ-2022 ના રોજ પાવતી નં. 412 થી બટાકાના 173 કટ્ટા મળી
બટાકાના કુલ 474 કટ્ટા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે મૂક્યા હતા. જે સમયે કોલ્ડ સ્ટોરેજના માલિક ઉજ્જવલ અગ્રવાલ અને મેનેજર શાન્તીલાલ માળી હાજર હતા.
તે દરમિયાન કોલ્ડ સ્ટોરેજના સુપરવાઇઝર વિજયભાઇ પારજીજી ઠાકોર (રહે. કાપરા, તા. લાખણી) એ પોતાની સહીવાળી ઓરીજનલ પાવતીઓ ખેડૂતને આપી હતી.
જોકે, થોડા સમય બાદ ખેડૂતને કોલ્ડ સ્ટોરેજના માલિક અને મેનેજર દ્વારા ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર બટાકાના કટ્ટા બારોબાર વેચી દીધા હોવાની જાણ થઇ હતી.
આથી તા. 5 ઓગષ્ટ-2022 ના રોજ ખેડૂત દિનાજી જાટે કોલ્ડ સ્ટોરેજના માલિક ઉજ્જવલ અગ્રવાલને અસલ પાવતીઓ આપી બટાકા અંગે પૂછપરછ કરતાં જ એકદમ ઉશ્કેરાઇ જઇ પાવતીઓ ફાડી નાખી અમોએ બટાકા વેચી દીધા છે. જેથી હવે પાછા નહીં મળે તમારાથી જે થાય તે કરી લેવાની ધમકીઓ આપી હતી.
આ ઉપરાંત ડીસાના માલગઢ ગામના ખેડૂત કુંદનલાલ ભભુતાજી સુંદેશા (માળી) ના બટાકાના 759 કટ્ટા અને ડીસાના વરણ ગામના ખેડૂત મગનભાઇ મલાભાઇ રબારીના બટાકાના 711 કટ્ટા મળી ત્રણેય ખેડૂતોના બટાકાના 1944 કટ્ટા બારોબાર વેચ્યા હોવાનું બહાર આવતાં ખેડૂતોમાં હલચલ મચી જવા પામી છે.
આ અંગે ડીસા તાલુકાના યાવરપુરા ગામના ખેડૂત દિનાજી હીરાજી જાટે ડીસા તાલુકા પોલીસ મથકે કોલ્ડ સ્ટોરેજના માલિક ઉજ્જવલ રાજેશભાઇ અગ્રવાલ (રહે. 21-6-455, ઘાસી બજાર, હૈદરાબાદ) અને મેનેજર
શાન્તીલાલ અમરતજી સાંખલા (માળી) (રહે. ઠાકોરવાસ, દામા, તા. ડીસા) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. એસ.એમ. પટણી ચલાવી રહ્યા છે.
– દિનાજી હીરાજી જાટ (બટાકાના 474 કટ્ટા રૂ. 3,76,830)
– કુંદનલાલ ભભુતાજી સુંદેશા (માળી) (બટાકાના 759 કટ્ટા રૂ. 6,03,405)
– મગનભાઇ મલાભાઇ રબારી (બટાકાના 711 કટ્ટા રૂ. 5,65,245)
ડીસાના દામા સ્થિત અગ્રવાલ એગ્રી લોજીસ્ટીકના માલિક ઉજ્જવલ અગ્રવાલ અને મેનેજર શાન્તીલાલ માળીએ ખેડૂતો સાથે કરેલ છેતરપિંડીની ફરિયાદમાં કોલ્ડ સ્ટોરેજના માલિકને ધંધામાં દેવું થઇ ગયું હોવાનું અને કોલ્ડ સ્ટોરેજ પણ વેચાઇ ગયું હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
From-Banaskantha update