અજાણ્યા તસ્કરો માલ-સામાન ઉપરાંત રૂ. 3,000 ની રોકડ ઉઠાવી ગયા
ડીસામાં છેલ્લા કેટલાંક સમયથી તસ્કરોની રંજાડ વધી રહી છે. તાજેતરમાં જ પાટણ હાઇવે અને આખોલ ચાર રસ્તા નજીક તસ્કરોએ સંખ્યા બંધ દુકાનો તોડી ચોરી કર્યાં બાદ હવે રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક વધુ
2 દુકાનોના તાળા તોડી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, શિયાળાની ઋતુ જામતાં તસ્કરોને પણ જાણે સિઝન આવી ગઇ હોય તેમ બેફામપણે ચોરીના બનાવો વધી રહ્યા છે.
ગત સપ્તાહે તસ્કરોએ ઉપરાઉપરી 2 દિવસ પાટણ હાઇવે રોડ અને આખોલ ચાર રસ્તા નજીક સંખ્યા બંધ દુકાનોના તાળા તોડી મોટા પ્રમાણમાં ચોરી કરી પોલીસને ચેલેન્જ ફેંકી હતી.
પોલીસે આ ચોરીમાં તો તસ્કરોને ઝડપી પાડયા છે પણ હવે ગઇ રાત્રે રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક એચ.પી. પેટ્રોલ પંપની પાછળ આવેલા કોમ્પલેક્ષની 2 દુકાનોના તાળા તોડયા હતા.
જેમાં તસ્કરોએ કોમ્પલેક્ષમાં આવેલી જે.કે.ઇલેક્ટ્રોનિક્સ દુકાનનું તાળુ તોડી અંદરથી માલ-સામાન ઉપરાંત રૂ. 3,000 ની રોકડ ઉઠાવી ગયા હતા.
જ્યારે બાજુમાં આવેલ હેર કટીંગ સલૂનને પણ નિશાન બનાવી શટરના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરીની જાણ સવારે વેપારીઓને થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
વેપારીઓએ પોલીસને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે જે. કે. ઇલેક્ટ્રોનિક્સના દુકાનના માલિક કિરીટભાઇ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update