ડીસાની ગુગળ દૂધ મંડળીના પૂર્વ મંત્રીએ રૂ. 26.83 લાખની ઉચાપત કરતાં ચકચાર

- Advertisement -
Share

3 વર્ષમાં કૌભાંડ કરી રાજીનામું આપ્યા બાદ ઓડીટમાં ભાંડો ફૂટતાં ફરિયાદ : આગથળા પોલીસે માજી મંત્રી સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ડીસા તાલુકાના ગુગળ ગામની દૂધ મંડળીના મંત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન રૂ. 26,83,717.16 ની માતબર રકમની નાણાંકીય ઉચાપત કરતાં ચકચાર મચી ગઇ છે.
આ ગોટાળો મંડળીના ઓડીટમાં ધ્યાનમાં આવતાં કમિટી સભ્યે તેમની સામે આગથળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે માજી મંત્રી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ગુગળ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તા. 19/05/2016 ની વાર્ષિક સાધારણ સભામાં ઠરાવ કરીને મંત્રી તરીકે ગામના ભૂરાભાઇ અમરાભાઇ પટેલની નિમણૂંક કરાઇ હતી.
ત્યારબાદ તેઓ તા. 12 ઓગષ્ટ 2022 ના રોજ સ્વેચ્છાએ રાજીનામું આપી મંત્રી પદેથી છૂટા થયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઓડીટ પૂર્ણ કરવાની તેમની જવાબદારી બાદ નવિન મંત્રીની નિમણૂંક કરાઇ હતી.

 

માજી મંત્રી તેમના ફરજ કાળ દરમિયાન મંડળીના હીસાબી વહીવટી, નાણાંકીય જવાબદારી અને દાણ, ઘી વગેરે વેચાણ અને બેંકમાંથી નાણાંકીય લેવડ-દેવડ અને દૂધના નાણાં ગ્રાહકોને ચૂકવવાની જવાબદારી નિભાવતા હતા.

 

જોકે, તેમના સમયગાળા દરમિયાન તા. 01/04/2019 થી તા. 31/03/2022 ના સમયગાળાના હીસાબોનું ઓડીટ સ્પેશિયલ ઓડીટર મિલ્ક ઓડીટ ઓફીસ પાલનપુરના ઓડીટર ગ્રેડ ટુ સહકારી મંડળીઓ દ્વારા
કરવામાં આવતાં છૂટા થયેલા મંત્રીએ રૂ. 26,83,717.16 ની માતબર રકમ અંગત ઉપયોગમાં વાપરી કાયમી નાણાંકીય ઉચાપત કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

 

વ્યવસ્થાપક કમિટીના ઠરાવ મુજબ કમિટી-સભ્ય નાનજીભાઇ ડામરાભાઇ ચૌધરી (પટેલ) દ્વારા ઓડીટના ખાસ અહેવાલ અને મંડળીના ઠરાવ બુક, વાઉચર અને હીસાબી તપાસની યાદીની નકલ સહીતના સાધનિક કાગળો પોલીસમાં રજૂ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે આગથળા પોલીસે મંત્રી સામે આઇ.પી.સી.કલમ-408 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇને સહકારી માળખામાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!