ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે આજે સવારના ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં 10 બાળકને નાનીમોટી ઈજાઓ થવા પામી છે, જે પૈકી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. વહેલી સવારના સમયે આખો રોડ ખાલી હોવા છતાં માતેલા સાંઢની માફક બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું.
ગાંધીનગરના ચ-6 સર્કલ પર આજે સવારના ખાનગી બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે હંકારીને સ્કૂલવાનને ધડાકાભેર ટક્કર મારતાં વાન પલટી ગઈ હતી. સ્કૂલવાનમાં 12 બાળક હતાં, જેમાંથી 10ને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી છે.
View this post on Instagram
તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે એકને હાઇટેક અને એકને કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતના પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યાં હતાં. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ લઈ જવાતાં તેમના વાલીઓ પણ સિવિલ દોડી આવ્યા.
હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. આ બાળકો સેકટર-23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે અને બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
From – Banaskantha Update