પોલીસે કુલ રૂ. 18,4,000 મુદ્દામાલ જપ્ત કર્યો
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ધાનેરાના નેનાવા ગામ નજીકથી શનિવારે એક શંકાસ્પદ ટ્રક રોકાવી તપાસ કરતાં પાવડરના કટ્ટાની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જયારે પોલીસે 2 શખ્સોની અટકાયત કરી હતી. જયારે પોલીસે રૂ. 7,39,000 નો દારૂ સહીત કુલ રૂ. 18,4,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો છે. બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના અવનવા કિમીયા અજમાવામાં આવી રહ્યા છે.
પરંતુ બનાસકાંઠા પોલીસની બાજ નજર બુટલેગરોના કિમીયા નિષ્ફળ કરતી હોય છે. ત્યારે એલ.સી.બી. પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે.
એલ.સી.બી. પોલીસ સ્ટાફને શનિવારે ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, નેનાવા ગામ નજીકથી એક ટ્રક દારૂ ભરીને આવનારી છે.
જેમાં પોલીસે નેનાવા નજીક નાકાબંધી કરી એક શંકાસ્પદ લાગતી ટ્રકને રોકાવી તપાસ કરી હતી. તેમાંથી પાવડરના કટ્ટાની આડમાં દારૂની 173 પેટી જેની કુલ કિંમત રૂ. 7,39,000 સહીત કુલ મુદ્દામાલ રૂ. 18,4,000 નો જપ્ત કર્યો હતો.
જયારે ટ્રક ચાલક થાનારામ જાટ ગુડામાલાણી (રહે. બાડમેર, રાજસ્થાન) અને જસરાજ જાટ (રહે. હાથીતલા, બાડમેર, રાજસ્થાન) વાળાને ઝડપી પાડયા હતા. આ અંગે ધાનેરા પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update