ડીસામાં પરણિત પુત્રીને લઈ જઈ વ્યભિચાર આચરનાર શખ્સને ઠપકો આપવા જતી વૃદ્ધ વિધવા માતા પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે અને પુત્રીની માંગણી કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત માતાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ડીસા દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસામાં સંત અન્ના હાઈસ્કૂલ પાસે રહેતી એક વૃદ્ધ વિધવા માતા પર બે શખ્સોએ હુમલો કર્યો છે. જેમાં વિધવા મહિલાની પરણિત દીકરીને પાલનપુર ખાતે રહેતો દિનેશ દેવીપુજક નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. ત્યારબાદ સામસામે ફરિયાદ પણ થઈ હતી.
જોકે, યુવતીએ તેના પતિ અને માતા સાથે રહેવાની ના પાડી હતી અને દિનેશ દેવીપુજક સાથે રહેવા ચાલી ગઈ હતી. પરણિત દીકરીને લઈ જઈને વ્યભિચાર આચરનારને તેની માતાએ ઠપકો આપવા જતા દિનેશ દેવીપુજક અને ભીખા દેવીપુજક નામના શખ્સોએ હુમલો કર્યો હતો અને વિધવા મહિલાને વાળથી ખેંચી ગડદા પાટુનો માર મારી ઇજા પહોંચાડતા ઈજાગ્રસ્તને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત વિધવા માતાએ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update