પાલનપુર તાલુકાના નળાસર (ગો) ગામે ગુરૂવારે શિવજીના મંદિરે સામાજીક બંધુત્વનો ત્રિવેણી પ્રસંગ ઉજવાયો હતો. જ્યા ગામના ચૌધરી યુવકે ગઠામણ ગામની એક પુત્રીને સાથે લઇને આવેલી મોદી સમાજની ત્યકતા મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાઇને સામાજીક સમરતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ.
જ્યારે લગ્ન ગ્રંથીથી જોડાનાર મહિલાના મુસ્લિમ ભાઇએ કન્યાદાન કરી ભાઇનો ધર્મ નિભાવ્યો હતો. પાલનપુર તાલુકાના નળાસર ગામે ગુરૂવારે શિવજીના મંદિરે અનોખી લગ્નવિધી થઇ હતી.
આ અંગે ગામના સરપંચ પુરીબેન કેશરભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ગામના ચૌધરી સમાજના દિનેશભાઇએ પાલનપુરના ગઠામણ ગામના અંકિતાબેન મોદી કે જેઓ ત્યકતા છે અને એક દીકરીની માતા છે. એમની જોડે ગામના શિવજીના મંદિરમાં ફૂલહાર સહિતની ધાર્મિક વિધી સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા.

જ્યાં અંકિતાબેને બનાવેલા ધર્મના ભાઇ શમશેરપુરા ગામના આશિતખાન પઠાણ તેમના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને અંકિતાબેનનું કન્યાદાન કરી ભાઇનો ધર્મ નિભાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને સમૂહ ભોજન લીધુ હતુ.
દિનેશભાઇ ચૌધરીએ લગ્ન કરવા માટે જાન જોડી ગઠામણ ગામે જવાના બદલે તેમની પરિણીતા અને પરિવારને સામેથી નળાસર ગામે બોલાવ્યા હતા. જ્યાં શિવજીના મંદિરે ફુલહાર સહિતનો પ્રસંગ ઉજવ્યો હતો.
From – Banaskantha Update