પાટણના કંબોઇ નજીક લોકાચારમાં જઇ રહેલા બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં મોત

Share

 

 

પાટણના હાઇવે માર્ગો પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારી પસાર થતાં ચાલકો દ્વારા અવાર-નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જી અનેક નિર્દોષ માનવ જીંદગીને મોતના મુખમાં ધકેલી રહ્યા છે.

 

 

ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ સોમવારની સવારે પાટણ-ચાણસ્મા હાઇવે રોડ પર રાજપુર ગામ નજીક બન્યો છે. અજાણ્યા વાહન ચાલકે સિદ્ધપુરના આશાસ્પદ બાઇક ચાલકને પાછળથી ટક્કર મારી મોત નિપજાવી પોતાનું વાહન લઇ ભાગી છૂટ્યો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા અને સિદ્ધપુરમાં નવાવાસ તુરી બારોટવાસમાં રહેતાં અમરતભાઇ મગનલાલ તુરી (બારોટ) (ઉં.વ.આ. 55) સોમવારની વહેલી સવારે પોતાનું બાઇક નં. GJ-24-AC-3958 લઇને કંબોઇ ગામે લોકાચાર અર્થે નીકળ્યા હતા.

 

 

ત્યારે પાટણથી ચાણસ્મા હાઇવે પર રાજપુર ગામ નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઇકને પાછળથી ટક્કર મારી બાઇક ચાલક અમરતભાઇ બારોટને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર મોત નિપજાવી પોતાનું વાહ લઇને ભાગી છૂટ્યો હતો.

 

આ માર્ગ અકસ્માતના બનાવની જાણ માર્ગ પરથી પસાર થઇ રહેલા અન્ય વાહન ચાલકોને તેમજ આજુબાજુના લોકોને થતાં ઘટનાસ્થળે ટોળેટોળા ઉમટી પડયા હતા અને બનાવની જાણ પોલીસને કરાતાં પોલીસે ઘટનાસ્થળે આવી લાશનું પંચનામું કરી પી.એમ. અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

 

પાટણ ચાણસ્મા માર્ગ પર સિદ્ધપુરના આશાસ્પદ વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું હોવાના સમાચાર મૃતકના પરિવારજનોને તેમાં સગા-સબંધીઓને થતાં તેઓ સિવિલ હોસ્પિટલમાં દોડી આવતાં અને હૈયાફાટ રૂદન કરતાં વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે પાટણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

 

 

From-Banaskantha update

 

 


Share