ડીસા: લવ જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં સજ્જડ બંધ : 3 કી.મી લાંબી આક્રોશરેલી, લાઠી ચાર્જ | વાંચો આ સંપૂર્ણ અહેવાલ

- Advertisement -
Share

ડીસામાં હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો હતો અને આજે ડીસા સજ્જડ બંધના એલાન સાથે આક્રોશ રેલી નીકળી હતી. રેલીના પ્રવાહને મુસ્લિમ વિસ્તારમાં જતો અટકાવવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

 

રેલી બાદ ડીસાના સરદારબાગ આગળ યોજાયેલી જાહેર સભામાં ધારાસભ્ય સહિત નેતાઓએ તેમજ હિંદુ સંગઠનના આગેવાનોએ મુસ્લિમ સમાજને હિન્દુ પરિવારને 24 કલાકમાં પરત સોંપવા અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા તેમજ ચેતી જવા નહિતર ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા ચેતવણી આપી હતી.

 

ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતીને મુસ્લિમ યુવક દ્વારા ફસાવી યુવતીની માતા અને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની માંગણી કરી હોવાની બાબતે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. જેના કારણે આજે માળી સમાજ તેમજ હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
જેમાં તમામ સમાજો, વિવિધ વેપારી એસોસિએશન અને વિવિધ સામાજિક તેમજ સ્વૈચ્છિક સંગઠનોએ પોતાનું સમર્થન આપતા ડીસા શહેર અભૂતપૂર્વ સજ્જડ બંધ રહ્યું હતું. સવારે 10:00 વાગ્યેથી ડીસાના સરદાર બાગ આગળથી વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા.

રેલી સરદારબાગથી ફુવારા સર્કલ, સુભાષ ચોક, હીરા બજાર થઈ એસ.સી.ડબ્લ્યુ સ્કૂલ થઈ સરદાર બાગ પરત આવી હતી. જોકે, હીરા બજાર આગળથી રેલીનો પ્રવાહ મુસ્લિમ વિસ્તાર તરફ જવા દબાણ કરતો હોય પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં બે યુવકોને ઈજા થઈ હતી.

 

રેલી બાદ સરદારબાગ આગળ યોજાયેલી વિશાળ જાહેર સભામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, માળી સમાજના અગ્રણી પ્રવીણભાઈ માળી, મગનલાલ માળી, પી. એન. માળી કૈલાશભાઈ ગેલોત તેમજ હિંદુ યુવા સંગઠનના મનોજ ઠાકોર, ડીસા નગર પાલિકા પ્રમુખ રાજેશ ઠક્કર, માળી સમાજના યુવા અગ્રણી ભાવેશ સાંખલા સહિત આગેવાનોએ પોતાના પ્રવચનમાં મુસ્લિમ સમાજને લવ જેહાદની પ્રવૃત્તિ બંધ કરી હિન્દુ પરિવારને 24 કલાકમાં પરત સોંપવા તેમજ હિન્દુ યુવતીઓને ફસાવવાનો કૃત્ય ન કરવા તેમજ આગામી સમયમાં તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા આક્રોશ પૂર્વક જણાવ્યું હતું.

ડીસા અભૂતપૂર્વ સજ્જડ બંધ:

હિન્દુ યુવા સંગઠન અને માળી સમાજ દ્વારા ધર્માંતરણના વિરોધમાં અપાયેલા બંધના એલાનમાં ડીસા શહેરમાં વસતા તમામ સમાજે, તમામ વેપારી એસોસિયેશન, વિવિધ સ્વૈચ્છિક સંગઠનોએ સમર્થન કરતા ડીસા શહેર અભૂતપૂર્વ રીતે સજ્જડ બંધ રહ્યું હતું. લોકોને કોરોનાના લોકડાઉનની યાદ આવી ગઈ હતી. આજે ડીસા એ રીતે બંધ રહ્યું હતું કે ક્યાંય ચાની કીટલીઓ, પાનના ગલ્લા કે શાકભાજીવાળાઓ પણ જોવા મળ્યા ન હતા.

શૈલેષભાઇ વેલાભાઈ રાજપૂત (લાઠીચાર્જની પરિસ્થિતિમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થનાર યુવક)

 

પોલીસ લાઠીચાર્જમાં બેને ઈજા:

ડીસામાં નીકળેલી રેલીમાં આગેવાનોએ રેલીને શાંતિપૂર્વક પૂર્ણ કરવા જણાવ્યું હતું. જોકે, યુવકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો જેના કારણે રેલી નીકળી ત્યારે હીરા બજાર પાસેથી મુસ્લિમ વિસ્તાર ગવાડી, રાજપુર, ત્રણ બત્તી જવાના માર્ગો પોલીસે બંધ કરી દીધા હતા. પરંતુ યુવકો મુસ્લિમ વિસ્તારમાં જવા માંગતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં 2 યુવકોને ઈજા થઈ હતી જેમાં શૈલેષભાઇ વેલાભાઈ રાજપૂતને ગંભીર ઈજા થતાં ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!