ધાનેરામાં 10 દિવસની ટૂંકી મિત્રતામાં દિવ્યાંગ સહકર્મીનું અકસ્માતમાં મોત : ભાઇબંધે સોશિયલ મીડિયામાં મદદની હાકલ કરી રૂ. 2.86 લાખ ભેગા કરી પરિવારને સોંપ્યા

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના નેનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીનું મોત થતાં સહાય

 

ધાનેરા તાલુકાના નેનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓ વચ્ચે માત્ર 10 દિવસની મિત્રતા બાદ એક વિકલાંગ મિત્રનું મોત નિપજ્યું હતું.
ત્યારબાદ મિત્રએ માત્ર 2 દિવસમાં જ સોશિયલ મીડીયા ઉપર મદદની હાકલ કરી રૂ. 2.86 લાખની માતબર રકમ મૃતક મિત્રના પરિવારને આપી ભાઇબંધીનું અનોખું ઉદાહરણ પુરૂ પાડયું હતું.

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના નેનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 10 દિવસ અગાઉ જ વલસાડથી બદલી થઇને આવેલા મૂળ વાસણ ગામના કાનજીભાઇ જે. રબારી અને ત્યાં ફરજ બજાવતા મૂળ
થરાદના નારોલીના એક પગે વિકલાંગ મંગલભાઇ કેશાજી પંડયા વચ્ચે મિત્રતા થઇ હતી. જો કે, સપ્તાહ અગાઉ નેનાવા નજીક માર્ગ અકસ્માતમાં મંગલભાઇનું આકસ્મિક મોત નિપજ્યું હતું.

 

આ અંગે કાનજીભાઇ જે. રબારીએ જણાવ્યું હતું કે, ‘મિત્રના નિધનથી દુઃખ થયું હતું. પરંતુ તેના પરિવારનું હવે કોણ થશે ? તેમ વિચારી આર્થિક મદદ કરવા માટે વિચાર કર્યો હતો. જેના માટે સોશિયલ મીડીયાનો સહારો લીધો હતો.
અને વોટ્સએપ ગૃપ બનાવી વલસાડ, અમદાવાદ, દાહોદ, સાબરકાંઠા, વડોદરાના મારા સાથી મિત્રો, બનાસકાંઠા જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ, તલાટી, શિક્ષકો, સામાજીક આગેવાનો અને નેનાવાના ગ્રામજનોને મદદ માટે હાકલ કરી હતી.’
જેમાં માત્ર 2 જ દિવસમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે બધાએ મદદ કરતાં રૂ. 2,86,000 એકત્ર થઇ ગયા હતા. જે રકમ રવિવારે મારા સ્વર્ગસ્થ મિત્ર મંગળભાઇ પંડયાના ઘરે નારોલી ગામમાં જઇ તેમના પિતા અને
ભાઇ તેમજ સામાજીક આગેવાનોની હાજરીમાં આપ્યા હતા. સેવાના કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરનાર તમામને સ્વર્ગસ્થ મિત્રનો આત્મા પણ આભાર માનતો હશે.

 

થરાદ તાલુકાના નારોલી ગામના મંગલભાઇ કેશાજી પંડયા એક પગે વિકલાંગ હતા. જેઓ ધાનેરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા હતા. તેમના 4 ભાઇ પૈકી એક ભાઇનું 4 વર્ષ અગાઉ અકસ્માતમાં મોત નિપજ્યું હતું.
જેમને સંતાનો 2 દીકરી અને એક દીકરો વિધવા ભાભી, 2 ભાઇ, પોતાના વૃદ્ધ માતા-પિતા અને પોતાની પત્નીનું એમ કુલ પરિવારના 8 સભ્યોનું ગુજરાન ચલાવતા હતા. તેમનું અકસ્માતમાં મોત થતાં ઘરનો મોભ તૂટી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

 

કાનજીભાઇ રબારીએ પોતાના મૃતક મિત્રના પરિવારને મદદ કરવા માટે વોટ્સએપ ગૃપ બનાવ્યું હતું. જેમાં 2 દિવસમાં 350 લોકોને જોડયા હતા અને બધાએ પોતાના ગૃપોમાં સ્ટેટ્સ રાખી અને મેસેજ કરી આ રકમ એકત્ર કરી હતી. જે હજુ પણ આવી રહી હોવાથી રૂ. 3 લાખથી વધુ થશે તેમ તેમણે જણાવ્યું હતું.

 

એક પગે વિકલાંગ મંગળભાઇ પંડયા પરિવારમાં 8 સભ્યોનું ગુજરાન ચલાવતા હતા. જેમના લગ્ન પણ આજથી દોઢમાં માસ અગાઉ જ થયા હતા. જેમના મોતથી જેના હાથમાં લગ્નની મહેંદી પણ હજુ સૂકાઇ નથી તેવી તેમની પત્નીનું સુખી સંસારનું સ્વપ્ન પણ રોળાઇ ગયું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!