ડીસાની સોસાયટીમાં વરસાદી પાણી ભરાતાં સ્થાનિકો લોકોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

વરસાદી પાણીથી કોઇ મોટો રોગચાળો ફાટી નીકળશે તો તેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે તેવી ચિમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી

 

ડીસાના રાણપુર રોડ પર આવેલ મધુવન સોસાયટીમાં પડેલ ભારે વરસાદના કારણે ચારે બાજુ વરસાદી પાણી ભરાઇ જવા પામ્યું હતું. જેના કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

ડીસા નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે અને ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રમુખ પદે રાજુભાઇ ઠક્કર સુકાન સંભાળી રહ્યા છે. જેમાં ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે.

પરંતુ આજે પણ ડીસામાં એવી અનેક સોસાયટીઓ આવેલી છે કે, જ્યાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ જ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

 

ડીસાના રાણપુર રોડ પર આવેલ મધુવન સોસાયટીની પરિસ્થિતિ કંઇક એવી છે. ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે મધુવન સોસાયટીમાં ચારેય બાજુ પાણી જ પાણી થઇ ગયું હતું.

 

જેના કારણે સ્થાનિક લોકોએ આખી રાત વરસાદી પાણી નીકાળવામાં જ નીકાળી હતી. ત્યારે આ તરફ આ વિસ્તારમાં લાઇટની પણ કોઇ જ વ્યવસ્થા ન હોવાના કારણે આ વિસ્તારના લોકોએ રાત્રિના સમયે ભારે હાલાકી ભોગવવી પડે છે.

 

અગાઉ પણ આ વિસ્તારમાં લાઇટ ન હોવાના કારણે અનેક ચીલઝડપની ઘટના સામે આવી છે. ત્યારે આ બાબતે સ્થાનિક લોકોએ કાયમી સમસ્યાના નિકાલ માટે ડીસા નગરપાલિકા કચેરીથી મુખ્યમંત્રી સુધી

 

રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી આ વિસ્તારમાં કોઇ જ સુવિધા પૂરી પાડવામાં આવી નથી. જેના કારણે આ વિસ્તારના લોકોમાં હાલ ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

 

એક તરફ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત લાખો રૂપિયા ખર્ચે ડીસાના તમામ વિસ્તારમાં વરસાદ પહેલાં કામગીરી હાથ ધરવામાં આવે છે.

 

પરંતુ ડીસાની મધુવન સોસાયટીના લોકો છેલ્લા 4 વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે કચેરીઓમાં ધક્કા ખાઇ રહ્યા છે. એક તરફ ગુજરાત સરકાર શહેરી વિસ્તારના વિકાસની વાતો કરી રહી છે.

 

ત્યારે બીજી તરફ મધુવન સોસાયટીના લોકો પોતાના વિસ્તારમાં વિકાસ થાય તે માટે 4 વર્ષથી રાહ જોઇને બેઠા છે. ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાઇ જવા પામ્યું છે.

 

જેના કારણે આ વિસ્તારના લોકો પોતાના બાળકોને અભ્યાસ અર્થે મૂકતા પણ ડરી રહ્યા છે. વરસાદી પાણી ભરાઇ જતાં વાહનો પણ આવવા મુશ્કેલ બની ગયા છે.

 

ત્યારે છેલ્લા 4 વર્ષથી લાઇટ, વરસાદી પાણી અને ગટરના કામો તાત્કાલીક કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.

 

ત્યારે જો આગામી સમયમાં વરસાદી પાણીથી કોઇ મોટો રોગચાળો ફાટી નીકળશે તો તેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે તેવી ચિમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!