ડીસામાં પરિણીતાનું અપહરણ કરનાર 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

પતિ વચ્ચે વિખવાદ થતાં તેઓએ છૂટાછેડા લીધા હતા : પુનઃ મોગલ ધામ મંદિરમાં જઇ ફૂલહાર કરી સાથે રહેવા લાગ્યા હતા

 

ડીસામાં રહેતી એક પરિણીતાને તેના જ દિયરે વાત કરવા માટે મળવા બોલાવી હતી અને બાદમાં તેના અન્ય 2 મિત્રો સાથે તેણીનું અપહરણ કર્યું હતું.
આ અંગે પીડીતાએ ડીસા તાલુકા પોલીસ મથકે તેના દિયર સહીત અન્ય 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાની મેહુલ સોસાયટીમાં રહેતાં જુલીબેન જીતેન્દ્રભાઇ મંડોરાને આઠેક વર્ષ અગાઉ જીતેન્દ્રભાઇ સાથે સામાજીક રીત-રીવાજ મુજબ લગ્ન થયા હતા.

 

લગ્ન જીવન બાદ તેમને 2 બાળકોને જન્મ આપ્યો હતો. જો કે, થોડા સમય અગાઉ તેમને અને તેમના પતિ વચ્ચે વિખવાદ થતાં તેઓએ છૂટાછેડા લીધા હતા અને 2 બાળકો સાથે અન્ય સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા.

 

તે દરમિયાન તેમના દિયર અલ્પેશભાઇ ત્યાં અવાર-નવાર આવતાં તેમને તેમની સાથે પ્રેમ થઇ જતાં જુલીબેન તેમના દિયર અલ્પેશ સાથે લગ્ન કર્યાં હતા.

 

જો કે, લગ્નના થોડા સમય બાદ અલ્પેશ દ્વારા 2 બાળકોને પોતાના ન માનતાં બંને વચ્ચે અવાર-નવાર તકરાર થઇ હતી.

 

ત્યારબાદ જુલીબેને અલ્પેશ સાથે છૂટાછેડા લીધા હતા અને ફરી અગાઉના પતિને માફી માંગતાં બંનેએ ફરી મોગલ ધામ મંદિરમાં જઇ ફૂલહાર કરી સાથે રહેવા લાગ્યા હતા.

 

આ બાબતે અલ્પેશને અવાર-નવાર જુલીબેનને ફોન કરી ધમકી આપતો હતો અને કહેતો મારી પાસે આવી જા તને નહી તો ઠીક નહી રહે અને કહેતો હું તારી સાથે ગ્રીષ્માવાળી કરીશ અને અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો.

 

જ્યારે ગત તા. 15/05/2022 ના રોજ અલ્પેશ જુલીબેનના પતિના મોબાઇલ ઉપર પણ ધમકી આપી હતી. આ બાબતે જુલીબેને તેમના પતિના મોબાઇલથી અલ્પેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

 

જો કે, તેમ છતાં અલ્પેશને રૂબરૂ મળી સમજાવવા માટે જુલીબેન રાત્રે આઠેક વાગ્યાના સુમારે મહાકાળી મંદિરમાં તેમની બહેનપણીને લઇ ગયા હતા.

 

જ્યાં એક 9463 નંબરની કાર ઉભેલી હતી અને ત્યાં અલ્પેશ અને અનિલ પ્રજાપતિ ઉભેલા હતા અને મે અલ્પેશને પાસે જઇ કહેલ કે, મને કેમ હેરાન કરે છે.

 

તે દરમિયાન પાછળથી આવેલા અંકીત માળીએ ધક્કો મારી બળજબરીપૂર્વક ગાડીમાં મને બેસાડી દીધી હતી અને અલ્પેશ પણ ગાડીમાં બેસી ગયો હતો અને ગાડી ભગાવી દીધી હતી.

 

જો કે, તે દરમિયાન જુલીબેન બૂમો પાડવા છતાં પણ અલ્પેશ ગાડી રોકેલ નહી અને રાપર તરફ જતી વખતે પોલીસનું ચેકીંગ ચાલતું હોઇ ગાડી રોકાવી હતી અને તેમને પોલીસ મથકમાં લઇ ગયા હતા.

 

જ્યારે તે દરમિયાન તેમના પતિ દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે તેમણે અલ્પેશ અપહરણ કરી ગયો હોવાની જાણ કરી હતી.

 

જે બાબતે ડીસા પોલીસે કચ્છ પોલીસને જાણ કરતા નાકાબંધી કરતાં આ બંનેને ઝડપી પાડયા હતા અને ડીસા તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા.

 

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે અલ્પેશ મંડોરા (રહે. બ્રહ્માણી સોસાયટી, ડીસા),અનિલ પ્રજાપતિ (રહે.થરા, તા. કાંકરેજ) અને અંકિત માળી (રહે.માલગઢ, તા. ડીસા) વાળા સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે અપહરણ સહીતની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!