પેપર લીક બાબતમાં BJP અને પોલીસે AAP ના કાર્યકરોને દોડાવી દોડાવીને માર્યાના આક્ષેપો : ઇટાલિયાને ઇજા : અનેકના માથા ફૂટ્યા : ઇસુદાનની અટકાયત કરાઇ

Share

 

રાજ્યમાં ગત તા. 12 મી ડીસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઇને કેટલાંક લોકો સુધી સક્ર્યુલેટ થયું હતું. જેનો સરકારે પણ સ્વીકાર કરી લીધો છે.

 

 

ત્યારે આ પેપર લીક કાંડ મામલે આપના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં સોમવારે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે લાઠી ચાર્જ કરતાં ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા. જ્યારે કેટલાંક કાર્યકરોના માથા ફૂટ્યા હતા.

 

 

પોલીસે ઇસુદાન ગઢવી સહીત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાંક કાર્યકરોની ટીંગાટોળીની અટકાયત કરવી પડી હતી.

 

 

ગોપાલ ઇટાલિયા સહીતના કાર્યકરોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર-27 એસ.પી. ઓફીસ લઇ ગયા છે.

 

 

આ અંગે ગુજરાત આપના પ્રવક્તા મિહીરભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે.’

 

પોલીસ લાઠીચાર્જમાં ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોળ ઉપસ્યા હોવાની તસવીરો સોશિયલ મીડીયામાં વાઇરલ થઇ છે. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં ગોપાલ ઇટાલિયાને પીઠમાં સોળ ઉપસ્યા હોવાનું આપના કાર્યકરોની પોલીસે અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી છે.

 

પોલીસના લાઠીચાર્જમાં કેટલાંક કાર્યકરોના માથામાં ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આપના કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વિડીયો સામે આવ્યા છે.

 

સોમવારે હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગ દ્વારા કોબા સ્થિત ભાજપ કાર્યાલય કમલમમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં આપના નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવિણ રામ અને મનોજ સોરઠીયા સહીતના નેતાઓ જોડાયા હતા.

 

જ્યારે યુથ વિંગમાંથી પ્રવિણ રામ અને નિખીલ સવાણી સહીતના ગુજરાત રાજ્યકક્ષાના હોદ્દેદારો જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા માટે પહોંચ્યા હતા. પેપર કાંડ મુદ્દે ગૌણ સેવાના અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે માંગ કરી હતી.

 

જ્યારે પેપર લીક કાંડમાં જેમની સંડોવણી છે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા માંગ કરી હતી. આ અંગે યુથ વિંગના પ્રવિણ રામે જણાવ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટી અને યુથ વિંગ ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે છે.’

 

 

From-Banaskantha update

 

 

 


Share