હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક કૌભાંડમાં 11 શખ્સો સામે વિશ્વાસ ભંગ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ : 7 શખ્સોની અટકાયત કરાઇ : ૪ શખ્સો ફરાર

Share

 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગયા રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યા માટેની પરીક્ષાનું પેપર પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના શખ્સે લીક કરી આયોજન બદ્ધ રીતે કૌભાંડ આચર્યું હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે.

 

 

સોમવારે સાંજે આપ નેતા યુવરાજસિંહે હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયાનો ઘટસ્ફોટ કર્યાં બાદ મચેલા હોબાળાને લઇ બચાવની સ્થિતિમાં આવી ગયેલી સરકારે પોલીસને તપાસના આદેશ આપ્યા બાદ શુક્રવારે મળેલ હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના 11 શખ્સો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધી 7 શખ્સોની અટકાયત કરી ફરાર 4 શખ્સોને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. તમામને શનિવારે રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

 

 

ગત સોમવારે સાંજે આપ નેતા યુજરાજસિંહે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો અને હિંમતનગર તાલુકાના શખ્સોની ભૂમિકા હોવાનો આક્ષેપ કરતાં સાબરકાંઠા પોલીસ હરકતમાં આવી હતી અને તમામ શકમંદોને રાઉન્ડ અપ કરી દેવાયા હતા.

 

 

ગુરૂવારે સાંજે આક્ષેપકર્તાંએ અલ્ટીમેટમ આપ્યા બાદ ગૌણ સેવા પસંદગી મંડળે તપાસ માટે ઇ-મેઇલ કરી ફોર્માલીટી પૂર્ણ કર્યાં બાદ સાબરકાંઠા એસ.પી.એ એલ.સી.બી.ને જવાબદારી સોંપ્યા બાદ શુક્રવારે મળેલ એલ.સી.બી. પી.આઇ. એમ.ડી. ચંપાવતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હેડ ક્લાર્ક વર્ગ-3 ની તા. 12 ડીસેમ્બર-2021 ના રોજ લેવાયેલ ભાગ-1 ની પરીક્ષાનું બી-સિરીઝનું પેપર પરીક્ષા અગાઉ કોઇપણ સરકારી કર્મચારીની મદદથી મેળવી રૂ. 10 થી 15 લાખમાં પરીક્ષાર્થીઓને વેચી

 

 

અને પરીક્ષાર્થીઓએ ગેરકાયદે પેપરની નકલ મેળવી અન્ય પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવા અંતર્ગત પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના 3, પોગલુ અને વદરાડ ગામના એક-એક, મૂળ કાણિયોલના અને હાલ અમદાવાદ રહેતો એક શખ્સ, તલોદ તાલુકાના પાટના કૂવાનો એક શખ્સ અને હિંમતનગર તાલુકાના 4 શખ્સો મળી કુલ 11 શખ્સો સામે વિશ્વાસ ભંગ અને છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી હતી અને તે પૈકી 7 શખ્સોની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગે ગાંધીનગર રેન્જ આઇ.જી. અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘આ કેસમાં એફ.એસ.એલ.ની પણ મદદ લેવાઇ છે. રૂપિયાની લેવડ-દેવડ અંગે તપાસ ચાલુ છે. પ્રાથમિક તબક્કે નિવેદન અને ડોક્યુમેન્ટ જપ્ત લેવાયા છે. મુખ્ય સૂત્રધારનો કુટુંબી ભાઇ જશવંત પટેલ ઝડપાયો પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર જયેશ ઉર્ફે મુકેશના કુટુંબી ભાઇ જશવંત હરગોવનભાઇ પટેલને શુક્રવારે મોડી સાંજે પોલીસે ઝડપી લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો કે, હિંમતનગર ડી.વાય.એસ.પી.એ આ બાબતે સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ 11 પૈકી 7 આરોપીઓ ઝડપાઇ ગયા છે.’

 

 

હવે જશવંતભાઇનો પુત્ર દેવલ અને કુટુંબી ભાઇ જયેશ પણ ઝડપાઇ જવાના સંજોગો ઉજળા બન્યા છે. પરીક્ષાર્થીઓમાં નિરાશા : હેડ ક્લાર્કની પરીક્ષા આપનાર અમિતભાઇએ જણાવ્યું હતું કે, ‘પેપર લીક થયાનું જાણવા મળતાં નિરાશ થયો છું. અગાઉ પણ સચિવાલયની પરીક્ષાનું પેપર લીક થયાનું પરીક્ષા આપવા માટે બસમાં જતો હતો તે વખતે ખબર પડી હતી. વારંવાર પેપર લીક થાય છે.’

 

છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. ઇડરના રોહીત પરમારે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરી રહ્યો છું. અગાઉ પણ બિનસચિવાલય અને પોલીસના પેપર લીક થયા છે. સરકારે યોગ્ય પગલાં લેવા જોઇએ. આવી રીતે દર વર્ષે પેપર લીક થયા કરે છે. પેપર લીક મામલે રેલી અને આવેદનપત્ર વગેરે જેવી પ્રોસેસ કરવી પડશે તો પણ સાથ આપીશું.’

 

(1) ધ્રૃવ ભરતભાઇ બારોટ (રહે. બેરણા, તા. હિંમતનગર) (2) મહેશ કમલેશભાઇ પટેલ (રહે. સી-304 શાશ્વતફળી, ન્યુ રાણીપ, અમદાવાદ) (3) ચિંતન પ્રવિણભાઇ પટેલ (રહે. વદરાડ, તા. પ્રાંતિજ) (4) કુલદીપ નલીનભાઇ પટેલ (રહે. કાણિયોલ, તા. હિંમતનગર) (5) દર્શન કિરીટકુમાર વ્યાસ (રહે. રાજબસેરા, મહાવીરનગર, હિંમતનગર) (6) સુરેશ રમણભાઇ પટેલ (રહે.તાજપુરી કુંડોલ, તા. હિંમતનગર) (7) જશવંત હરગોવન પટેલ (રહે. ઉંછા)

 

પ્રાંતિજના ઉંછાના જયેશ ઇશ્વરભાઇ પટેલે તા.12/12/2021 ના રોજ લેવાનાર પરીક્ષાનું અસલ પેપર મેળવી તા.11/12/13 ના રોજ કુટુંબી ભાઇ જશવંત હરગોવનભાઇ પટેલ અને તેમના દીકરા દેવલ જશવંતભાઇ પટેલને આપ્યું હતું.

 

દેવલ જશવંતભાઇ પટેલ 5 પરીક્ષાર્થીઓને તેના સસરા મહેન્દ્રભાઇ એસ. પટેલના ઘેર પોગલુ ગામે લઇ ગયો હતો. જ્યાં પાંચેય પરીક્ષાર્થીઓને મહેશ કમલેશભાઇ પટેલ (રહે. ન્યૂ રાણીપ, અમદાવાદ મૂળ રહે. કાણિયોલ), દેવલ અને મહેન્દ્રભાઇ પટેલે પેપર અને પુસ્તકો આપી પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા.

 

પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના ચિંતન પ્રવિણભાઇ પટેલ અને અન્ય 6 વિદ્યાર્થીઓને જશવંતભાઇ હરગોવનભાઇ પટેલે પોતાના ઉંછા ગામના ખેતરમાં પેપર અને પુસ્તકો આપી સોલ્વ કરવા બેસાડ્યા હતા. તમામ પરીક્ષાર્થીઓના મોબાઇલ વિનય હોટલ પ્રાંતિજથી સ્વીચ ઓફ કરી લઇ લેવાયા હતા અને તા.12/12/2021 ના રોજ વિદ્યાર્થીઓને અલગ-અલગ વાહનોમાં બેસાડી પરીક્ષા કેન્દ્રોમાં પહોંચાડયા હતા.

 

જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલે એક નકલ દર્શન કિરીટકુમાર વ્યાસ (રહે. રાજબસેરા બંગ્લોઝ, મહાવીરનગર, હિંમતનગર) ને આપી હતી. દર્શન કિરીટકુમાર વ્યાસે આ નકલ કુલદીપ પટેલ (રહે. કાણિયોલ, તા. હિંમતનગર) ને આપતાં તેણે પણ 5 વિદ્યાર્થીઓને પોતાના ઘેર પેપર સોલ્વ કરાવ્યા હતા.

 

કુલદીપ નલીનભાઇ પટેલે સુરેશ રમણભાઇ પટેલ અને અન્યને એક વેગનઆર ગાડીમાં ગાંધીનગરથી સતિષ ઉર્ફે હેપ્પી પટેલ (રહે. પાટના કૂવા, તા.તલોદ) સાથે વિસનગર તાલુકાના બાસણા ગામે મોકલી આપ્યા હતા અને તા.12/12/2021 ના રોજ સવારે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડયા હતા. જેમાં એક વિદ્યાર્થીને વડોદરા ખાતે પરીક્ષા હોઇ દર્શન કિરીટકુમાર વ્યાસ વડોદરા મૂકવા ગયા હતા.

 

11 આરોપી સામે વિશ્વાસના હનનની આઇ.પી.સી.-406, 409 અને 420 ધારા લગાવાઇ છે. જેમાં આઇ.પી.સી. કલમ-406 માં મહત્તમ 3 વર્ષ, 409 માં મહત્તમ 10 વર્ષથી આજીવન કેદ અને દંડ અને આઇ.પી.સી.-420 માં મહત્તમ 7 વર્ષ અને દંડની જોગવાઇ છે. આ બંને કલમો ગેરજમાનતી અને પ્રથમ શ્રેણીના મેજીસ્ટ્રેટ સમક્ષ વિચારાધીન છે.

 

મુખ્ય સૂત્રધાર જયેશ ઇશ્વરભાઇ પટેલને ગામમાં જયેશ નામથી ઓછા લોકો જાણે છે. મુકેશ નામથી ઓળખાય છે. શરૂઆતથી જ કૌભાંડી છાપ ધરાવતો હોવાનું ગામમાંથી જાણવા મળી રહ્યું છે. મોઢું ખોલે તો સચિવ કક્ષાના અધિકારીના પગતળે રેલો આવે તેમ છે.

 

પેપર લીકમાં ઝડપાયેલા ઉંછાના જશવંતભાઇ પટેલ અને પોગલુના મહેન્દ્ર પટેલ સગપણમાં વેવાઇ થાય છે. પેપર પેપરસેટરને ત્યાંથી ફૂટ્યું સ્ટ્રોંગ રૂમમાંથી ફૂટ્યું કે પ્રિન્ટીંગ પ્રેસમાંથી તે અંગે કંઇ જણાવાયું નથી. પરંતુ સરકારી કર્મીની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.

 

આરોપીઓના નામ

(1) જયેશ ઇશ્વરભાઇ પટેલ (રહે. ઉંછા, તા.પ્રાંતિજ) જયેશ મુખ્ય સૂત્રધાર મનાય છે. અગાઉ હિંમતનગર મોતીપુરામાં એક ઓટો ડીલરને ત્યાં નોકરી કરતો હતો. ભૂતકાળમાં તેની ફ્રેન્ડઝ ગૃપ નામની સ્કીમમાં લોકોના નાણાં ફસાતાં કેસ પણ થયો છે. પત્ની ધાનેરા તાલુકામાં શિક્ષિકા છે. તે તેની સાથે ધાનેરા ખાતે રહે છે.

(2) ધ્રૃવ ભરતભાઇ બારોટ (રહે. બેરણા, તા. હિંમતનગર) માતા-પિતા શિક્ષક છે અને ખાનગી વીમા કંપનીનું કામ કરતો હતો. પેપર મળતું હોવાની જાણ થતાં તેણે સબંધીને ફોન કરી રાય લીધી. પરંતુ ન માન્યો. કોલ ડીટેઇલને કારણે ધ્રૃવની અટકાયત થતાંની સાથે સબંધી પિનાકીન બારોટ પણ હાલાકીમાં મૂકાયા હતા.

(3) ચિંતન પ્રવિણભાઇ પટેલ (રહે. વદરાડ, તા. પ્રાંતિજ) સ્થાનિક સૂત્રો મુજબ, મજરા ખાતે ન્યૂ વિનયની બાજુમાં મેડીકલમાં નોકરી કરતો હતો અને એક-બે માસથી નોકરી છોડી દીધી છે. જ્યારે પ્રાંતિજના ભાંખરીયા સ્થિત સિટી સેન્ટરમાં જય શક્તિ મેડીકલ અને અન્ય મેડીકલમાં પણ ભાગીદારી હોવાનું જાણવા મળ્યું છે.

(4) દર્શન કિરીટકુમાર વ્યાસ (મહાવીરનગર, હિંમતનગર) સિવિલ એન્જીનિયર છે. વર્ષ-2017 માં નરેન્દ્ર મોદી વિચાર મંચના નોર્થ ગુજરાત વીંગના પ્રમુખ બન્યા હતા અને રાજકીય પાર્ટીમાં જોડાયા હતા. જયેશ પટેલે પેપરની એક નકલ તેમને આપી હતી અને એક વિદ્યાર્થીને પરીક્ષા અપાવવા વડોદરા મૂકવા ગયા હતા.

(5) મહેન્દ્ર એસ.પટેલ (રહે. પોગલુ, તા. પ્રાંતિજ) મુખ્ય સૂત્રધાર જયેશ પટેલના કુટુંબી ભત્રીજા દેવલના સસરા મહેન્દ્રભાઇ પટેલ હાલમાં સરપંચની ચૂંટણી લડી રહ્યા છે. તેમના ઘેર 5 વિદ્યાર્થીને રાખી દેવલની સાથે પેપર અને પુસ્તકો આપી સોલ્વ કરવા બેસાડયા હતા.

(6) કુલદીપ નલીન પટેલ (કાણિયોલ, તા. હિંમતનગર) કુલદીપ નલીનભાઇ પટેલે દર્શન વ્યાસ પાસેથી પેપરની નકલ લઇને 5 વિદ્યાર્થીઓને પોતાના ઘેર પેપર સોલ્વ કરાવી વિદ્યાર્થીઓને ગાંધીનગર અને વિસનગર તાલુકાના બાસણા ગામે મોકલ્યા હતા.

(7) દેવલ જશવંતભાઇ પટેલ (રહે. ઉંછા, તા. પ્રાંતિજ) દેવલ પટેલ હાલ અમદાવાદ ખાતે નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરે છે. કુટુંબી કાકાએ પેપર લાવી વિદ્યાર્થીઓ શોધી લાવવા કામ સોંપતાં વિદ્યાર્થીઓ લઇ આવ્યો હતો. પોલીસ તપાસમાં તેનું નામ ખૂલ્યું હતું.

(8) જશવંત હરગોવન પટેલ (રહે. ઉંછા, તા. પ્રાંતિજ)

(9) મહેશ કમલેશભાઇ પટેલ (304 શાશ્વતફળી, ન્યૂ રાણીપ, અમદાવાદ, મૂળ રહે. કાણિયોલ)

(10) સતિષ ઉર્ફે હેપ્પી પટેલ (રહે. પાટન કૂવા, તા. તલોદ)

(11) સુરેશ રમણભાઇ પટેલ(રહે. તાજપુરી કુંડોલ)

 

છેલ્લા 8 વર્ષમાં પેપર ફૂટવાનો કાળો ઇતિહાસ

વર્ષ-2014 જી.પી.એસ.સી.ની ચીફ ઓફીસર પરીક્ષા
વર્ષ-2015 તલાટીની પરીક્ષા
વર્ષ-2016 જીલ્લા પંચાયત તલાટીની પરીક્ષા
વર્ષ-2017 ટેટ પેપર લીક
વર્ષ-2018 ટેટની પરીક્ષા
વર્ષ-2018 વનરક્ષક પરીક્ષા
વર્ષ-2018 મુખ્ય સેવિકાની પરીક્ષા
વર્ષ-2018 નાયબ ચીટનીશની પરીક્ષા
વર્ષ-2018 એલ.આર.ડી.ની પરીક્ષા વર્ષ-2019 બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા
વર્ષ-2021 સબ ઓડીટરની પરીક્ષા વર્ષ-2021 હેડ ક્લાર્કની પરીક્ષા

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share