ઓનલાઇન ક્લાસ સમયે ફોન બ્લાસ્ટ થતાં ધો. 8 નો વિદ્યાર્થી ઘાયલ

Share

 

મધ્યપ્રદેશના સતનામાં શુક્રવારે ઓનલાઇન ક્લાસ દરમિયાન મોબાઇલ ફાટવાથી ધો. 8 નો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. બ્લાસ્ટને કારણે બાળકને ચહેરા અને હાથમાં ઇજા થઇ છે. પરિવારના સભ્ય તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવા પર તેને મેડીકલ કોલેજમાં રીફર કરાયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, સતનાના ચંદકુઇયા ગામમાં એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો ધો. 8 નો વિદ્યાર્થી રામપ્રકાશ ભદોરીયા (ઉં.વ. આ. 15) શુક્રવારે ફોન પર ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરી રહ્યો હતો. ત્યારે મોબાઇલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.

 

 

એને પગલે વિદ્યાર્થીનું મોઢું અને નાક લોહી લુહાણ થઇ ગયા હતા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને પરિવારના લોકો ત્યાં પહોંચ્યા હતા અને ઘાયલ પુત્રને નાગૌદના સ્વાસ્થ્ય કેન્દ્રે પહોંચાડયો હતો. પ્રાથમિક સારવાર પછી તેને સતના જીલ્લા હોસ્પિટલમાં રીફર કરાયો હતો.

 

 

જીલ્લા હોસ્પિટલમાં પણ વિદ્યાર્થીની સ્થિતિમાં સુધારો થયો ન હતો. તેની ગંભીર સ્થિતિને જોતાં તેને જબલપુર મેડીકલ કોલેજમાં રીફર કરાયો હતો. આ અંગે તબીબે જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીના મોંઢા અને નાકનો સંપૂર્ણ ભાગ મોબાઇલ બ્લાસ્ટથી ઇજાગ્રસ્ત થયો હતો.’

 

 

આ અંગે વિદ્યાર્થીના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ‘રામપ્રકાશ બીજા રૂમમાં બેસીને મોબાઇલથી અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક રૂમમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો.

 

 

અવાજ સાંભળીને અમે ડરી ગયા હતા અને તેના રૂમ તરફ દોડયા હતા. જ્યાં તેના ચહેરા પરથી લોહી નીકળી રહ્યું હતું. અમે તાત્કાલીક તેને સ્વાસ્થ્ય કેન્દ્રે લઇ ગયા હતા. હવે તેને જબલપુર લઇ જવાયો છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share