સુરતમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનારા નરાધમને કોર્ટે ફાંસીની સજાનો હુકમ ફટકાર્યો

Share

 

સુરતના પાંડેસરામાં ડીસેમ્બર-2020 માં માત્ર 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઇંટોના ઘા મારી પાશવી હત્યા કરનારા આરોપી દિનેશ બૈસાણેને સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગત તા. 10 ડીસેમ્બરના રોજ એડીશનલ સેશન્સ જજ એન.એ.અંજારીયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.

 

 

જ્યારે ગુરૂવારે આ કેસમાં સજા સંભળાવતાં દોષીને ફાંસીની સજાનો હુકમ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 10 જ દિવસમાં બાળકી પર રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની આ બીજી ઘટના છે. તે કેસમાં માત્ર અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

 

 

સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ‘આરોપીના ફોનમાંથી પોર્ન વિડીયો ક્લીપ પણ મળી આવી હતી. બાળકીના શરીર પરથી 49-49 જેટલાં ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ બેરહેમીપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરી છે.

 

 

જેથી તેને દેહાંત દંડની સજા ફટકારવામાં આવે. બાળકીના નખ પણ નીકળી ગયા હતા. સુરતની કોર્ટે 10 દિવસમાં જ બીજા આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જેનાથી દુષ્કર્મીઓમાં એક આકરો સંદેશો જશે અને આવા બનાવો બનતાં જરૂર અટકશે અને આરોપીઓમાં ધાક બેસશે.’

 

 

હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતાં આરોપી દિનેશ બૈસાણે વિરૂધ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સી.સી.ટી.વી. ફૂટેજ માટે એફ.એસ.એલ., તબીબી સાક્ષીઓ, ભોગ બનનારના માતા-પિતા અને લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરાયો હતો. આ તમામની તપાસ ઉલટ તપાસ બાદ કોર્ટે તાત્કાલીક ફાંસીની સજા સંભળાવી હતી.

 

 

પાંડેસરા વિસ્તારની 10 વર્ષની બાળકી ગત તા. 07/12/2020 ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી હતી અને નાસ્તાની લારી પર લઇ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બી.આર.સી. કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.

 

 

બાળાએ પ્રતિકાર કરી આરોપીના જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. આરોપીએ ઉશ્કેરાઇ જઇને બાળકીને માથા પર ઇંટના ઉપરાછાપરી સાત ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપીની અટકાયત કરી હતી.

 

 

આ કેસની સંવેદનશીલતાને જોતાં પોલીસે તમામ તપાસ આટોપીને માત્ર 15 દિવસમાં દિનેશ બૈસાણે સામે 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલાં પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સી.સી.ટી.વી. ફૂટેજ માટે એફ.એસ.એલ., તબીબી સાક્ષીઓ, ભોગ બનનારના માતા-પિતા અને લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરાયો હતો.

 

 

હજી ગત તા. 7 ડીસેમ્બરે જ સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં ગુડ્ડુ યાદવને દોષી ઠેરવી સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં પણ પોલીસે આરોપીની અટકાયત કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી.

 

 

તા. 6 ડીસેમ્બરે આરોપીને આ કેસમાં દોષી ઠેરવ્યો હતો અને તા. 7 મીએ કોર્ટે ચૂકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી. સાથે જ બાળકીના પરિવારને રૂ. 20 લાખની સરકારી વળતર ચૂકવવા હુકમ કરાયો હતો.

 

 

સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને 45 સાક્ષીની સર તપાસ અને બચાવ પક્ષે ઉલટ તપાસની કાર્યવાહી પુરી કરી હતી. જેથી કોર્ટે આરોપી દિનેશ બૈસાણેને દોષિત જાહેર કર્યો હતો અને તા. 16 ડીસેમ્બરે ગુરૂવારના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share