ગુજરાતમાં પ્રથમવાર એક સાથે 8 શખ્સો પાસા હેઠળ અટકાયત કરાઇ

Share

ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તા.19 ડિસેમ્બરના દિવસે મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તેના માટે ગુજરાતમાં પ્રથમવાર અમરેલી જીલ્લામાં એકસાથે 8 ઇસમો સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

 

અમરેલી જીલ્લામાં તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે અમરેલીના પોલીસ અધિક્ષક નિરલિપ્ત રાય દ્વારા જીલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, તેની હેરફેર-ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ધંધાર્થી ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

 

 

 

પોલીસ અધિક્ષકે આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય તેમજ જીલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તડીપારના પ્રર્વતમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરી હતી. જેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજીક પ્રવૃત્તિઓ કરતાં પ્રોહી. બુટલેગર વિરૂદ્ધ પુરાવા એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી.

 

 

આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આમ જનતા શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે બુટલેગર ઇસમોની સમાજ વિરોધી પ્રવૃતિ પર અંકુશ લાવવા અમરેલી જીલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા એક સાથે 8 ઈસમોના પાસા વોરંટ ઇશ્યુ કરાયા હતા. જેના અંતર્ગત અમરેલી એસ.પી.ની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 શખ્સની અટકાયત કરી તમામને જેલને હવાલે કરાયા છે.

 

 

તમામ આરોપીઓને ગુજરાતની અલગ અલગ જેલને હવાલે કરાયા

(1) રવિરાજ ઉર્ફે રવુ પીઠુભાઈ જોબાળીયા, સેન્ટ્રલ જેલ અમદાવાદ (2) મુકેશ મોતીભાઈ વાડદોરીયા, સુરત જેલ (3) દેવજી ગોબરભાઈ વાઘેલા, ભુજ જેલ (4) જયપાલ નરેન્દ્રસિંહ રાઠોડ, પાલનપુર જેલ (5) અફઝલ કાદરભાઈ બીલખિયા, મહેસાણા જેલ (6) ગોપાલ રાજુભાઇ ચૌહાણ, નડિયાદ જેલ (7) જયરાજ બાવકુભાઈ વાળા, પોરબંદર જેલ (8) અજિત કનુભાઈ ધાધલ, વડોદરા મધ્યસ્થ જેલ

 

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે જીલ્લા પોલીસ વડા અસામાજીક પ્રવૃત્તિ કરતાં ઈસમો સામે કાર્યવાહી કરતા હોય છે. ત્યારે અમરેલીના એસ.પી. નિરલિપ્ત રાય ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં હંમેશા આગળ હોય છે. જેમણે એક સાથે 8 શખ્સને પાસા હેઠળ ધકેલતા સમગ્ર જીલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

From – Banaskantha Update


Share