જોડીયા ભાઇઓનો એક સાથે આપઘાત : એકનું મોત : એકનો આબાદ બચાવ

Share

 

વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં શિક્ષક દંપતીના જ 18 વર્ષના જોડીયા પુત્રોએ પરીક્ષાના ડરથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં જોડીયા ભાઇઓમાંથી એકનું મોત નિપજ્યું છે. જ્યારે ગાળીયો છૂટી જતાં બીજાનો ચમત્કારી બચાવ થયો છે.

 

 

હાલ નીટની પરીક્ષા આપી રહેલા બંને ભાઇઓએ પરીક્ષાના પરિણામના ડરથી ડીપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે, પોલીસે આપઘાતના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં ન્યૂ અલકાપુરી વિસ્તારમાં લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં શાંતમ રેસીડેન્સીમાં રાજેશ પટેલ તેમના પત્ની અને 18 વર્ષના જોડીયા પુત્રો રૂપેન અને રીહાન સાથે રહે છે. રાજેશભાઇ અને તેમના પત્ની આણંદની જીલ્લા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

 

ગત સોમવારે સમી સાંજે રૂપેન અને રીહાને સ્ટડી રૂમમાં અલગ-અલગ નેપકીનથી પંખાના હૂક પર મોતનો માંચડો તૈયાર કરી ગળેફાંસો ખાધો હતો. આમાં રૂપેનનું મોત નિપજ્યું હતું. જ્યારે ગાળીયો છૂટી જતાં રીહાન નીચે પટકાયો હતો અને ઘાયલ થયો હતો.

 

રાજેશભાઇ અને તેમના પત્ની સાંજે નોકરીએથી ઘરે પરત ફર્યાં તો બંને પુત્રોએ આપઘાતનો પ્રયાસ કર્યાંનું જાણી સ્તબ્ધ થઇ ગયા હતા. રૂપેનનો મૃતદેહ લટકતો હતો અને રીહાન ગળામાંથી ગાળીયો છૂટી જવાથી નીચે પડયો હતો. આ તમામની રોક્કળનો અવાજ સાંભળી એપાર્ટમેન્ટના લોકો દોડી ગયા હતા

 

અને પંખા પર લટકેલા બીજા ભાઇને નીચે ઉતાર્યો હતો. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ રૂપેનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બેભાન રીહાનની ઘનિષ્ઠ સારવાર શરૂ કરી હતી.શાંતમ રેસીડેન્સી સહીત આજુબાજુના વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસને થતાં પી.એસ.આઇ. આર.કે. ગોસાઇ સ્ટાફ સાથે દોડી ગયા હતા.

 

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ‘જોડીયા ભાઇઓ રૂપેન અને રીહાન કારેલી બાગની ખાનગી સ્કૂલમાં ધો.-12 સાયન્સમાં અભ્યાસ કરે છે. છેલ્લા બે દિવસથી તેમની નીટની પરીક્ષા ચાલતી હતી. પરીક્ષા આપીને ઘરે આવ્યા બાદ બંને ભાઇએ ગળેફાંસો ખાઇ લીધાનું જણાયું હતું.’

 

આ અંગે પી.એસ.આઇ. આર.કે. ગોસાઇએ જણાવ્યું હતું કે, ‘નીટની પરીક્ષાના પરિણામને લઇને બંને ભાઇઓ ડીપ્રેશનમાં આવી ગયાનું બની શકે છે. આને લીધે જ બંને ભાઇઓએ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

 

જો કે, જોડીયા ભાઇઓના આપઘાતનું ચોક્કસ કારણ તપાસ અને પી.એમ. રીપોર્ટ બાદ જ બહાર આવશે. હાલ આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.’

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘છેલ્લા 15 દિવસમાં વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિવાર દ્વારા પોતાના સંતાનો પર રાખવામાં આવતી અભ્યાસ અંગેની વધુ પડતી અપેક્ષાઓ પણ વિદ્યાર્થીઓના આપઘાત પાછળનું કારણ બની રહ્યું છે.

 

બીજું એક કારણ એ પણ છે કે, વિદ્યાર્થીઓ પણ પરિવારની અપેક્ષામાં ખરા ઉતરી શકશે નહીં તેવા ડરથી પણ આપઘાત કરી રહ્યા છે. શિક્ષક દંપતી રૂપેશ અને રીહાન નામના જોડીયા ભાઇઓના આપઘાતના બનાવ સમાજ માટે ચેતવણી રૂપ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share