અમીરગઢના તત્કાલીન મદદનીશ ટી.ડી.ઓ. અને સિનિયર ક્લાર્ક રૂ.13.89 લાખની ઉપાચત કરતાં ચકચાર

Share

 

અમીરગઢના તત્કાલીન મદદનીશ ટી.ડી.ઓ. અને તત્કાલીન સિનિયર ક્લાર્ક 2010-11 અને 2011-12 ના તલાટીઓના પગારની તફાવત રકમ રૂ.13.89 લાખ પોતાના ખાતામાં જમા કરી ઉચાપત કરી હતી. જે અંગેની ફરિયાદ ઇન્ચાર્જ મહીલા ટી.ડી.ઓ.એ ગુરૂવારે અમીરગઢ પોલીસ મથકે નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ઇકબાલગઢના તલાટી કમ મંત્રી કે.જી.ચૌહાણે તા. 29 માર્ચ-2012 ના રોજ અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીને કર્મચારીઓને મળવાપાત્ર પગાર અને તફાવતની રકમ જે તે તલાટી ખાતામાં જમા થવાના બદલે તત્કાલીન મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અમીરગઢ રોહીતકુમાર મુકુંદરાય ત્રિવેદી (મૂળ રહે.ધરતી ટાઉનશીપ, આકેસણ રોડ, પાલનપુર) અને તત્કાલીન સીનીયર ક્લાર્ક અમીરગઢ બાબુભાઇ ચંદુભાઇ પારગી (મૂળ રહે. મુ.ખંઢોર, ઉંબરી, તા.દાંતા, જી.બનાસકાંઠા) એ પોતાના ખાતામાં જમા કરી હોવાની રજૂઆત કરી હતી.

 

 

 

 

જેને લઇ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી આર.બી.ખરાડીએ તપાસ કરતાં રૂ.2,49,328 ની ઉચાપત થઇ હોવાનું જણાયું હતું. જેની રજૂઆત જીલ્લા પંચાયતમાં કરાતાં ઓડીટ દરમિયાન સને-2010-11 અને સને 2011-12 માં મળીને કુલ રૂ. 13,89,062 ની નાણાંકીય ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇ ઇન્ચાર્જ મહીલા ટી.ડી.ઓ. અંકીતાબેન બાબુલાલ ઓઝાએ ગુરૂવારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

 

 

 

 

તત્કાલીન મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અમીરગઢ રોહીતકુમાર મુકુંદરાય ત્રિવેદીના ખાતામાં વર્ષ-2010-11 માં રૂ. 2,08,770 અને વર્ષ-2011-12 માં રૂ. 2,33,632 જમા થયા હતા. જ્યારે બાબુભાઇ ચંદુભાઇ પારગીના ખાતામાં વર્ષ-2010-11 માં રૂ. 4,45,158 અને વર્ષ-2011-12 માં રૂ.5,01,502 મળી કુલ રૂ. 13.89 લાખની ઉચાપત કરી છે.

 

 

 

 

ઓડીટ રીપોર્ટમાં નાણાંકીય ગેરરીતીથી સામે આવ્યા બાદ અમીરગઢ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતાં આ બંને કર્મચારીઓને તાત્કાલીક અસરથી ફરજ મોકૂફ કરાયા હતા. પંચાયત સૂત્રોએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ‘ગંભીર પ્રકારની નાણાંકીય ઉચાપતમાં અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરાઇ છે.’

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share